Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક કાદવ-કીચડના ઢગલા ખડકાતા પાલિકા સભ્ય અને એન્જિનિયર વચ્ચે જાહેરમાં જ જામી !

અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.

X

ભરૂચ જિલ્લા કલેકટરના ડ્રીમ પ્રોજેક્ટ “માય લીવેબલ ભરૂચ”ની સરેઆમ હાંસી ઉડાવતા પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુના સિટી સર્વે કચેરી જતાં રોડ પર કાદવ-કીચડના ઢગલા કરી દેવાતા પાલિકા સભ્ય અને પાલિકા એન્જિનિયર વચ્ચે જાહેરમાં જ જામી પડી હતી. જે બાદ પાલિકા સભ્યએ કોન્ટ્રાકટરને નોટિસ આપવા સૂચના આપી હતી.

ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા 2 માસથી વાહન વ્યવહાર અને ધંધા રોજગારથી ધમધમતા સેવાશ્રમ રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઈન તેમજ રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાકટરની કામ કરવાની ગોકળ ગાયની ગતિ અને અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. આ ઓછું હોય તેમ સેલ્સટેક્સ ઓફિસ પાસેની ગટર તેમજ ખોદકામની માટી અને કાદવ-કીચડ કોન્ટ્રાકટરે હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાંથી પસાર થતા સિટી સર્વે કચેરીને જોડતા રોડ પર જ ઢગલા કરી દેવાતા ભારે હોબાળો મચી ગયો હતો..

જેના પગલે આ વિસ્તારના પાલિકા સભ્ય ધનજી ગોહિલ સહિત અન્ય સભ્યો દોડી આવ્યા હતા, અને સ્થળ પર જ પાલિકા ઇજનેર સાથે આ મુદ્દે ઉગ્ર ભાષામાં આ રીતે ડમ્પિંગ સાઈટ બનાવી દેવા સામે નારાજગી દર્શાવી તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી. આ મુદ્દે કોન્ટ્રાકટરને નોટિસ પાઠવવા પણ સૂચના આપી હતી. એક તરફ જિલ્લા કલેકટર તેમના ડ્રીમ પ્રોજેક્ટ માય લિવેબલ ભરૂચ માટે પ્રયાસો કરી સફાઈ સહિતની નવી નવી વ્યવસ્થા કરી રહ્યા છે.

ગંદકી કરવાવાળાઓ સામે દંડનીય કાર્યવાહી માટેની જાહેરાતના બોર્ડ પણ પ્રદર્શિત કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ, પાલિકા તંત્ર હજુ પણ સુધરવાનું નામ નહીં લઈ માત્ર કાગળના ઘોડા દોડાવી રહી છે, ત્યારે એક જવાબદાર તંત્ર તરીકે પાલિકા એ ખુદ તેના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટરોને પણ સફાઈ અંગે જાગૃત કરી જરૂરી કડક કાર્યવાહી કરવાની આવશ્યકતા વર્તાય રહી છે.

Next Story