યુક્રેનમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ગયેલાં હજારો ભારતીય છાત્રો ફસાય ચુકયાં છે અને તેમને પરત લાવવા માટે અભિયાન ચાલી રહયું છે. ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવતાં તેમનું સન્માન કરવામાં આવ્યું.
ભારત કરતાં યુક્રેનની કોલેજોમાં ફી ઓછી હોવાના કારણે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે જાય છે. છેલ્લા પાંચ દિવસથી રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે જેમાં મોટાપાયે તબાહી થઇ છે. યુક્રેનની કોલેજોમાં અભ્યાસ કરી રહેલાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાય ગયાં છે. કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેનની પશ્ચિમમાં આવેલાં યુરોપના દેશો તરફ ચાલી નીકળ્યાં છે. ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરાયું છે.
જે અંતર્ગત વિદ્યાર્થીઓને એર ઇન્ડીયાના વિશેષ વિમાનો મારફતે ભારત લાવવામાં આવી રહયાં છે. ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનથી હેમખેમ પરત આવતાં તેમનું સન્માન કરાયું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, કલેકટર ડૉ. તુષાર સુમેરા, એસડીએમ જે.ડી.પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં.