ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂ. 15 લાખથી વધુ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના ચાવજ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ગતરોજ 153 ભરૂચ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જીલ્લા પંચાયતના કારોબારી અઘ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલ્વે સ્ટેશન મુખ્ય રોડથી રાધે ક્રિષ્ના સોસાયટીને જોડતા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી આસપાસની સોસાયટીઓના રહીશોની લોકમાંગને ધ્યાનમાં રાખી રૂ. 4 લાખના ખર્ચે સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે અહીના સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચાવજ ગામમાં રૂ. 2.50 લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્કસની ઓરડી બનાવાનું કામ, રૂ. 5 લાખના ખર્ચે સમસ્ત વણકર સમાજની વાડીનું કામ, રૂ. 3.71 લાખના ખર્ચે તળાવની પાળ પર પ્રોટેક્શન વોલ બનાવાનું કામ તેમજ રૂ. 2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોઇલેટ-બાથરૂમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાવજ ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલ, ડે.સરપંચ સહદેવ વસાવા તેમજ મોટી સંખ્યામાં રાધે ક્રિષ્ના સોસાયટીના રહેવાસીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.