આજરોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષના અંતરાલ બાદ અને શ્રી રામ જન્મ ભૂમિ સ્થળ ઉપર ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું, ત્યારે આ વર્ષે ફરી ભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.
ભરૂચના સોનેરી મહેલ ખાતે રાજકીય તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા ભક્તિભેર ભગવાન રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નિકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ કસક હનુમાનજી મંદિરે સમાપન કરાયું હતું. આ સાથે જ જય જય શ્રી રામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, બજરંગ દળના દુષ્યંત સોલંકી, મુક્તાનંદ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના બિપીન પટેલ સહિતના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.