ભરૂચ શહેરના દાંડિયાબજાર નજીક આવેલ શાંતિધામ સ્મશાન ગૃહ ખાતે LNG પેટ્રોનેટ કંપનીના સહયોગથી આધુનિક વુડન ફરનેશ લગાડવામાં આવી છે, ત્યારે આ વુડન ફરનેશથી અંતિમ ક્રિયામાં વપરાતા લાકડાની ખપત ઓછી થશે અને સ્થાનિકોને પણ ધુમાડાના પ્રદૂષણથી મુક્તિ મળશે.
ભરૂચનું શાંતિધામ સ્મશાન ગૃહ શહેરના મધ્ય ભાગમાં દાંડિયાબજાર નજીક દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલું છે. રોટરી ક્લબ ભરૂચ, રોટરી વેલફેર ટ્રસ્ટ અને નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે LNG પેટ્રોનેટ લીમીટેડ કંપનીના સહયોગથી CRC ફન્ડ હેઠળ આધુનીક વુડન ફરનેશ લગાડવામાં આવ્યું છે. આ વુડન ફરનેશ લગાવાથી અંતિમક્રિયામાં વપરાતા લાકડાની ખપત ઓછી થશે અને આજુબાજુના વિસ્તારમાં ધુમાડાના કારણે લોકોને પડતી તકલીફમાંથી પણ મુક્તિ મળશે, ત્યારે હવે આગામી દિવસોમાં પણ શાંતિધામ સ્મશાન ગૃહ ખાતે વધુ એક વુડન ફરનેશનું લગાડવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડૉ. પ્રેમકુમાર, રોટરી વેલ્ફેર ટ્રસ્ટ ભરૂચના ચેરમેન રચના પોદ્દાર, રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્ય અનિષ પરીખ તથા રોટરી ક્લબના સેક્રેટરી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.