Connect Gujarat
ભરૂચ

દાનનું રીએકશન એટલે સુખ, પાર્થ પવારને બતાવો તમારો "પાવર", યથાશકિત કરો દાન

દાનનું રીએકશન એટલે સુખ, પાર્થ પવારને બતાવો તમારો પાવર, યથાશકિત કરો દાન
X

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતો પાર્થ પવારનું ત્રણ મહિના પહેલાં પૃથ્વી પર અવતરણ થયું છે. તેના માતા- પિતા અને પરિવારમાં ખુશીઓ છલકાઇ ઉઠી હતી. પુત્રના આગમનથી સૌના હૈયામાં ઉત્સાહ હતો પણ ન જાણ્યું જાનકી નાથે.... પરિવારની ખુશીઓ ક્ષણિક જ રહી છે. ત્રણ માસનો પાર્થ સ્પાઇન મસ્કયુલર એટ્રોફી ( એસએમએ -1 ) નામની બિમારીથી પીડાઇ રહયો છે. આ બિમારીના ઇલાજ માટે પાર્થ પવારને રૂપિયા 16 કરોડ રૂપિયાની માતબર કિમંતના ઇન્જેકશનની જરૂરિયાત છે. પાર્થનો પરિવાર આટલી માતબર રકમનો ખર્ચ ઉપાડી શકે તે ન હોવાથી તેમણે મદદ માટે હાથ લંબાવ્યો છે. મહિસાગરના ધૈર્યરાજ માટે દેશ અને દુનિયામાંથી સહાયનો ધોધ વહ્યો હતો. 16 કરોડ રૂપિયા એકત્ર થઇ જતાં ધૈર્યરાજને નવું જીવન મળ્યું છે તો તેની સામે હતભાગી વિવાન સ્પાઇન મસ્કયુલર એટ્રોફીની બિમારી સામેનો જંગ હારી ગયો અને પ્રભુને પ્યારો થઇ ગયો છે. પાર્થ માટે હજી આશાનું એક કિરણ છે. આપણે સૌ ફુલ નહિ તો ફુલની પાંખડી સમાન રકમની મદદ કરી પાર્થને મદદરૂપ થઇ શકીએ છીએ. મહીસાગરના ધૈર્યરાજસિંહ માટે લોકોએ છુટ્ટા હાથે કરેલા દાનના કારણે તેને નવું જીવતદાન મળ્યંા છે. ધૈર્યરાજસિંહ માટે લોકોએ દાખવેલા માનવતાવાદી અભિગમના પગલે પવાર પરિવારને હજી પણ આશા છે કે પાર્થનો જીવનરથ આગળ વધશે.

હવે દાનની વાત કરવામાં આવે તો દાન એટલે બીજા કોઇ જીવ કે મનુષ્યને સુખ આપવું તેનું નામ દાન.. તમે જે દાન કરો છો તેની સામે તમારા જીવનમાં સુખોની સવારી આવી પહોંચે છે. એક અર્થમાં કહીએ તો દાનનું રીએકશન એટલે સુખ.. અને દુનિયાનો એવો કોઇ વ્યકતિ નથી કે પોતાના જીવનમાં સુખની ઇચ્છા ન ધરાવતો હોય.. જીવન સુખ અને શાંતિમય રહે તે માટે મંદિરો અને મસ્જિદોના પગથિયા ઘસી નાંખતા હોયએ છીએ. મંદિર, મસ્જિદ કે ટ્રસ્ટમાં આપણે દાનની સરવાણી વહેવડાવી દેતાં હોય છે. શાસ્ત્રોમાં દાનના ચાર પ્રકારના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આહારદાન, ઔષધિદાન, જ્ઞાનદાન અને અભયદાન.... જે રીતે મહાભારતમાં પાર્થ ( ભગવાન શ્રીકૃષ્ણ ) પાંડવોના સારથિ બન્યાં હતાં તેવી જ રીતે ગડખોલના પાર્થના જીવનરથને ખેંચવા માટે સૌને હાકલ કરવામાં આવી છે. પાર્થનો પરિવાર સખાવતીઓની કાગડોળે રાહ જોઇ રહયો છે. પાર્થને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ સમજીને આપણે ફુલ નહિ પણ ફુલની પાંખડીનું દાન કરી એક બાળકનું જીવન બચાવવા આપણે સૌ આગળ આવીએ. કનેકટ ગુજરાત પણ પાર્થને બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે ત્યારે દેશ અને વિશ્વના દાતાઓને અમારી મુહિમમાં સહભાગી થવા અમારી અપીલ છે.......

Blog By:- કલ્પેશ ગુર્જર

Next Story