Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ મહિલાઓ વિધવા થઈ, જુઓ સ્પેશ્યલ રિપોર્ટ

નાડા ગામમાં યુવાન લોકો દારૂની લતને કારણે યુવાનીમાં જ મૃત્યુ પામ્યા છે. જેને કારણે તેમના પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે..

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામે દારૂના દુષણના કારણે 100થી વધુ મહિલાઓ વિધવા બની છે. દારૂ પીવાના કારણે અનેક પુરુષો અકાળે મૃત્યુ પામતા પરિવાર નિરાધાર બની ગયો છે ભરૂચ જંબુસર તાલુકાના નાડા ગામે દારૂનું દુષણ વધી રહ્યું છે. જેના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા છે. નાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે.. આ ગામમાં દારૂના લતને કારણે યુવાધન બરબાદ થઇ રહયું છે.

અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં પોલીસ ધ્યાન ન દેતી હોવાનો ગ્રામજનો આક્ષેપો કરી રહયા છે. ગામલોકોના જણાવ્યા અનુસાર દેશી દારૂ પિવાના કારણે અનેક યુવાનોના મોત થયા છે.. અને ગામની 100થી વધુ બહેનો વિધવા બની છે. આવી જ કેટલીક મહિલાઓની વ્યથા આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે.

સૌ પ્રથમ વાત કરીયે ગીતાબહેન પરમારની...કાચા ઘરમાં રહેતા ગીતાબહેન પરમાર હાલ જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા છે અને તેની પાછળનું કારણ છે દારૂ....ગીતાબહેનના પતિ શંકર પરમાર દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા અને તેના કારણે તેમનું થોડા જ સમય પૂર્વે મૃત્યુ થયું હતું. 2-2 બાળકો ધરાવતા ગીતાબહેનનો આધાર જ છીનવાય જતા હવે તેઓએ જીવન કેવી રીતે જીવવું એ એક મોટો પ્રશ્ન છે.

ગીતાબહેન પરમાર જેવી જ હાલત તેમના સસરા એટલેકે ગુલાબભાઈ પરમારની પણ છે. 72 વર્ષની ઉંમર ધરાવતા ગુલાબભાઈએ દારૂના દુષણના કારણે જુવાન જોધ બે દીકરા ગુમાવ્યા છે. તેમના મોટા દીકરાનું 7 વર્ષ પૂર્વે દારૂના કારણે મૃત્યુ થયું હતું તો હાલમા જ નાનો દીકરો પણ પિતાને છોડી જતો રહ્યો છે. ઘડપણમાં જીવનની લાઠી ગણાતા બે દીકરાઓના અકાળે અવસાનથી ગુલાબભાઈ પરમાર પડી ભાંગ્યા છે

આવો જ એક દેસાઈ પરિવાર પણ છે. દેસાઈ પરિવારના મોભી જેઠાભાઈ દેસાઈનું દારૂના અતિશય સેવનના કારણે મોત નીપજ્યું હતું. જેઠાભાઈને સંતાનમાં 2 દીકરાઓ છે પરંતુ ગામમાં વેચાતા દારૂના કારણે તેઓ પણ દારૂના રવાડે ચઢી ગયા છે.જેઠાભાઈના પત્ની લક્ષ્મીબહેનનું કહેવું છે કે દારૂએ 10 વર્ષ પૂર્વે તેમના પતિનો ભોગ લીધો હતો અને હવે દીકરાઓ પણ દારૂના રવાડે ચઢી જીવન બરબાદ કરી રહ્યા છે જેનાથી જીવન જીવવું પણ દુષ્કર બન્યું છે

નાડા ગામમાં અનેક પરિવારો એવા છે જેમણે પોતાના પરિવારના મોભી દારૂના કારણે ગુમાવ્યા છે. એક નિવૃત્ત પોલીસકર્મીનું પરિવાર પણ આવી જ યાતના ભોગવી રહ્યું છે. નિવૃત્ત પોલીસકર્મીના પત્ની મીના બહેન રાવળે જણાવ્યું હતું કે તેમના પતિ ખોડાભાઈ રાવળ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેઓને પણ દારૂ પીવાની કુટેવ હતી. નિવૃત્તિ બાદ ગામમાં રહી તેઓ પણ દારૂના રવાડે ચઢી ગયા હતા અને અંતે તેમનું મૃત્યુ નીપજ્યું. તેમના બે દીકરાઓને પણ દારૂ પીવાની લત છે જેના કારણે તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે

નાડા ગામમાં દારૂની લતને કારણે યુવાનો પોતાની પત્ની, માં બહેન સાથે મારઝૂડ કરે છે.. અને મજૂરીમાંથી મળતા રૂપિયા લઈને દારૂ પીતા હોય છે.જેના કારણે સ્ત્રીઓને ખુબ જ દુઃખ વેઠવું પડતું હોય છે..અનેક વાર તો એમ પણ બને છે કે ઘરમાં બાળકો સહીત ભૂખ્યા જ સુઈ જવું પડતું હોય છે.આ અંગે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે નાડા સહિતના ગામમાં દારૂનો મોટો પ્રશ્ન છે જે અંગે પોલીસમાં રજુઆત બાદ હાલ કાર્યવાહી કરવામાં આવી છે જો કે દારૂનું દુષણ હંમેશ માટે દૂર થાય એવી કાર્યવાહી થવી જોઈ

નાડા ગામમાં યુવાન લોકો દારૂની લતને કારણે યુવાનીમાં જ મૃત્યુ પામ્યા છે. જેને કારણે તેમના પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.. તો કેટલાક માં-બાપ પોતાના જવાન પુત્રના મૃત્યુના કારણે નિરાધાર અને નિસહાય બન્યા છે..ગુજરાતમાં દારૂબંધી તો છે પણ રોજબરોજ બુટલેગરો અને પીધેલા પોલીસના હાથે ઝડપાતા હોય છે, ત્યારે ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.

Next Story