એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે.
રંગોના પર્વ હોળી-ધૂળેટી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શ્રમિકો પણ તહેવારની ઉજવણી કરવા માટે માદરે વતન જઇ રહ્યા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે. આદિવાસી સમાજ તથા ઉત્તર ભારતીય સમાજના શ્રમિકો તેમના પરંપરાગત તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડી લેતાં હોય છે. અત્યારથી શ્રમિકોએ વતનની વાટ પકડી લીધી હોવાથી ઉદ્યોગોમાં કામદારોની અછત હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડી રહી છે. હોળી-ધૂળેટીના એક મહિના પછી કામદારો પરત આવતાં હોય છે, અને ત્યાં સુધી ઉદ્યોગો શ્રમિકોની અછત વચ્ચે ગાડુ ગબડાવશે. પણ તહેવાર છે, જેની શ્રમિકો પરિવાર સાથે ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરીએ વતનમાં જતાં તમામ શ્રમિકોને હોળીના પર્વની શુભકામના પાઠવી હતી.