Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલિકાના વોર્ડ નં.7માં ખુલ્લી ગટર અને કાંસની તકલાદી કામગીરી સામે સ્થાનિકોમાં ભભૂકતો રોષ...

તાજેતરમાં બનાવેલી વરસાદી કાંસની દિવાલ હાથથી તૂટી રહી છે, અને કપચી પણ ઉભરી રહી છે

X

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલ સુથીયાપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ વરસાદી કાંસની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં સુથીયાપુરા વિસ્તારમાં વરસાદી કાંસ બનાવવામાં આવી છે, અને આ કાંસનું કામ અત્યંત તકલાદી હોય અને છેલ્લા 8 મહિનાથી ખુલ્લી કાંસમાં બાળકો ખાબકી રહ્યા હોવાના પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

જેના પગલે વોડૅના રહીશોએ ભરૂચ નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો. નગરપાલિકાના પ્રમુખની કેબિનમાં રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં ખુલ્લી કાંસ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ચોમાસાની ઋતુમાં લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવા આક્ષેપો પણ કર્યા હતા, ત્યારે પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિકોને વહેલી તકે કામગીરી શરૂ કરવા અંગે બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસ બનાવવામાં આવી છે, પરંતુ આ કાંસમાં પણ તકલાદી કામગીરી થઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આરસીસી અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ કાંસમાં પૂરતા પ્રમાણમાં સિમેન્ટ લોખંડના સળિયાનો ઉપયોગ નહીં કરવામાં આવ્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. તાજેતરમાં બનાવેલી વરસાદી કાંસની દિવાલ હાથથી તૂટી રહી છે, અને કપચી પણ ઉભરી રહી છે, ત્યારે આવી તકલાદી કામગીરીના કારણે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની પોલ છતી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.

Next Story