ભરૂચ શહેર તથા જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના સેવાશ્રમ રોડ, કસક સર્કલ, દાંડિયાબજાર અને ફુરજા સહીતના વિસ્તારોના માર્ગ નદીમાં ફેરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરીસ્થિતી સર્જાય છે. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જોવા મળતી આવી છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરી અહી રોડનું પેવર બ્લોક સાથે નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, હજી પણ વરસાદી પાણી ભરાતા "જેસે થે ની" પરિસ્થિતી સાથે આ રોડ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. પાંચબત્તી વિસ્તારથી શક્તિનાથ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાય જતાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતાં અનેક વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા હતા.