Connect Gujarat
ભરૂચ

વાગરા: નીલગાયનો શિકાર કરનાર બે શિકારી ઝડપાયા, વનવિભાગએક લાખનો દંડ ફટકાર્યો

વાગરા: નીલગાયનો શિકાર કરનાર બે શિકારી ઝડપાયા, વનવિભાગએક લાખનો દંડ ફટકાર્યો
X

વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્ય પ્રાણી નીલ ગાયનો શિકાર કરી માંસ કટીંગ કરાઈ રહેલ સ્થળ ઉપરજ વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી નીલ ગાયનું માંસ જપ્ત કર્યું હતું. જોકે શિકારીઓ સ્થળ છોડી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી ૪ થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ બે મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આજરોજ બે આરોપીઓ વનવિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબુલાત કરતા વનવિભાગે આરોપીઓને રૂપિયા એક લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા વનવિભાગની કચેરી ખાતેથી મળતી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચના ઉર્વશીબેન આઈ.પ્રજાપતિનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ વાગરા રેંજ ફોરેસ્ટ ઓફિસર વી.વી ચારણ સ્ટાફ સાથે ગત તારીખ ૨૦/૦૧/૨૦૨૪ નઆ રોજ રાત્રીના સમયે વાગરા તાલુકાના ખોજબલ ગામની સીમમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક ઈસમો વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટીંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે વન કર્મીઓએ સ્થળ ઉપર દરોડો પાડતા વન્ય પ્રાણીનું કટીંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. ટીમે સ્થળ પરથી માંસ, માંસ કટિંગ કરવાના સાધનો સહિત બે મોટરસાયકલ જેમાં હીરો કંપનીની સ્પ્લેનડર બાઈક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-16-C-09023 તેમજ હીરો કંપનીની પેશન જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-16-BF-3212 જે બંને મોટરસાયકલ પણ જપ્ત કરી માંસનાં નમૂના લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત હાથ ધરી હતી. વનવિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઇ ગયેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આજરોજ તારીખ ૨૨/૦૧/૨૦૨૪ ના રોજ બે આરોપીઓ નામે વિજયભાઈ ગણપતભાઈ વસાવા ઉં.વ 46 રહે. ખોજબલ તેમજ મુબારક યાકુબ પટેલ ઉં.વ 46 રહે. ખોજબલ જેઓ ભયભીત થઈ રેંજ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબુલાત કરી હતી. જે અંતર્ગત વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેંજ કચેરી વાગરાએ રૂપિયા એક લાખના દંડની વસુલાત કરી હતી. તેમજ અંદાજીત રૂપિયા ૯૨,૦૨૫ નો મુદ્દામાલ જપ્ત કરી નીલ ગાયના શિકારમાં અન્ય કોણ-કોણ સંકળાયેલ છે.? તે દિશામાં વધુ તપાસ વાગરા રેંજ ફોરેસ્ટ ઓફિસર વી.વી ચારણનાઓ ચલાવી રહ્યા છે.

Next Story