ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વિધર્મી યુવક દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવકની દુષ્કર્મના ગુન્હામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં પાલીતાણા બાદ મહુવા પંથકમાં વિધર્મી યુવક દ્વારા એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી જવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં સગીરાના પિતા દ્વારા તાકીદે પોલીસને જાણ કરાતા પોલીસે બન્નેનું લોકેશન મેળવી ઝડપી પાડ્યા હતા. જોકે, પોલીસ તપાસમાં વિધર્મી યુવક અને સગીરા બન્ને એક ફેક્ટરીમાં સાથે કામ કરતા હોય અને આંખ મળી જતા યુવક તેને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, જ્યારે સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની યુવકે કબૂલાત આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ યુવક યુવતીએ હજુ સુધી લગ્ન કર્યા હોવાનું સામે નથી આવ્યું. જેથી આ ઘટનામાં યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હોય જેથી આ લવજેહાદની ઘટના નથી તેમ પોલીસે જણાવ્યું હતું, જ્યારે યુવકે સગીરા સાથે આચારેલા દુષ્કર્મ મામલે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
