Connect Gujarat
Featured

ભાવનગર : કોરોનાના દર્દીઓની સેવા માટે સર ટી. હોસ્પિટલમાં પોર્ટેબલ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક લગાવાઇ

ભાવનગર : કોરોનાના દર્દીઓની સેવા માટે સર ટી. હોસ્પિટલમાં પોર્ટેબલ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક લગાવાઇ
X

કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના મહત્તમ કેસો બની રહ્યા છે. કોરોનાના મ્યુટેડ વાયરસને લીધે આમ બની રહ્યું છે, ત્યારે લોકોને કુદરતી શ્વાસને બદલે કૃત્રિમ રીતે શ્વાસ (ઓક્સિજન) આપીને અત્યારે કોરોનાના દર્દીઓનું અમૂલ્ય જીવન બચાવવામાં આવી રહ્યું છે. આવા દર્દીઓને બચાવવા માટે તબીબો તો ઝઝૂમી રહ્યા છે. તેની સાથે-સાથે આરોગ્યલક્ષી સેવાઓ વધુ સઘન બનાવવા માટે તંત્ર પણ દિવસ-રાત કાર્ય કરી રહ્યું છે.

રાજ્ય સરકારની સાથે તબીબી જગત પણ લોકોની અમૂલ્ય જિંદગી બચાવવા માટે અનેક રીતે મહેનત કરી રહ્યું છે. કોરોનાના દર્દીઓની જીંદગી બચાવવા માટે અત્યારના સંજોગોમાં આવી જ એક અગત્યની જરૂરિયાત છે ઓક્સિજન, અને કદાચ એટલે જ તેને પ્રાણવાયુના નામે ઓળખવામાં આવે છે. એવો પ્રાણવાયું કે, જેમાં માનવ શરીરને જીંદગી આપવાની તાકાત છે. જેના આધારે માનવ જીવન સંભવી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ દેશમાં ઓક્સિજનનો પુરવઠો વધારવા પર ભાર મૂક્યો છે. ઓક્સિજનની હેરફેર કરતાં વાહનોને પણ ઇમરજન્સી સેવાનો દરજ્જો આપી ઓક્સિજનના મહત્વને પીછાણ્યું છે.

ખાસ કરીને આ વખત કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની મોટાપાયા પર જરૂરિયાત પડી રહી છે. આ જરૂરિયાતને પહોંચી વળવાં માટે ભાવનગર ખાતે સર ટી. હોસ્પિટલમાં હયાત ૧૦ હજાર લીટર ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક ઉપરાંત 5 પોર્ટેબલ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક લગાવવામાં આવી રહી છે. રૂ. ૭થી ૧૦ લાખની એક એવી પોર્ટેબલ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંકની ક્ષમતા ૧ હજાર લીટરની છે. આમ, તે સ્થાપિત થઇ જવાથી સર ટી. હોસ્પિટલમાં ઓક્સિજનની સ્થાપિત ક્ષમતા ૧૫ હજાર લિક્વિડ ઓક્સિજનની થઇ જશે. આ ક્રાયો ઓક્સિજન ટેંક લાગી જવાથી સેન્ટ્રલ ઓક્સિજન ટેંક પરનો લોડ ઓછો થશે. આ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક પોર્ટેબલ હોવાથી એક બિલ્ડીંગ માટે એક એ રીતે ગોઠવી શકાશે કે, જેનાથી જે-તે બિલ્ડિંગ માટે અલાયદો ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ બનશે. જો કોઇ આપાતકાલિન સંજોગોમાં સેન્ટ્રલ ઓક્સિજન ટેંકમાંથી પુરવઠો બંધ થાય તો પણ વાંધો આવશે નહીં.

સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ડો. જયેશ બ્રમ્હભટ્ટે જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારીમાં ઓક્સિજન એક અનિવાર્ય ઘટક બની રહ્યો છે, ત્યારે આ પોર્ટેબલ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક સ્થાપિત થવાથી પ્રાણવાયુની આ સગવડ લોકોની અમૂલ્ય જિંદગી બચાવવા માટે પ્રાણપૂરક સાબિત થશે.

Next Story