આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ મેટલ્સ કંપની હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની યુનિટ બિરલા કોપર, દહેજ દ્વારા ભારત સરકારના “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત વાગરા તાલુકામાં “નિક્ષય મિત્ર પ્રોજેક્ટ” નો શુભારંભ કરવામાં આવ્યો છે. સમાજના આરોગ્ય સશક્તિકરણ અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને મજબૂત કરવાના હેતુથી હાથ ધરાયેલી આ પહેલ હેઠળ ભરૂચ જિલ્લાના 69 ટીબી દર્દીઓને 12 મહિના સુધી પોષણ સહાય પૂરી પાડવામાં આવશે.

લોન્ચ કાર્યક્રમ દરમિયાન 40 લાભાર્થીઓને સ્થળ પર જ પોષણ કિટનું વિતરણ કરાયું હતું, જ્યારે બાકીના 29 દર્દીઓને સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ગામ સ્તરની વ્યવસ્થા મારફતે કિટ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે દર્દીઓને પોષણ ઉપરાંત સારવારનું પાલન, સ્વચ્છતા અને સંતુલિત આહાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષયરોગ અધિકારી શ્રીમતી પૂનમબેન તંબા, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી પ્રવીણસિંઘ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, બિરલા કોપર તેમજ પાખાજણ યુનિટની CSR ટીમ અને ‘સાથ ગ્રામીણ ટ્રસ્ટ’ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બિરલા કોપર, દહેજના યુનિટ હેડ કે. કુમારવેલે જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ વિકાસ માટે સારું સ્વાસ્થ્ય પાયાની જરૂરિયાત છે અને આ પ્રોજેક્ટ દ્વારા કંપની સમુદાયના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા કટિબદ્ધ છે. લાભાર્થીઓ અને તેમના પરિવારોએ આ સહયોગ બદલ બિરલા કોપર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.