મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય લેવાયો
મીઠાઈ – ફરસાણની દુકાનો માટે નિર્ણય અમલમાં મુકાયો
તમામ દુકાનો પર ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત
ગ્રાહકો ખરીદી સમયે જ ચીજ-વસ્તુની શુદ્ધતા ચકાસી શકશે
વેપારીઓએ પણ કિટ વસાવીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો
અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર હવે ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તહેવારોની ઉજવણી એટલે પરિવારની ખુશી અને મીઠાઈની સોડમ. આ મીઠાશમાં ભેળસેળનું ઝેર ન ભળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણની દરેક દુકાન પર હવે ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાઈ છે. આનાથી ગ્રાહકો ખરીદી સમયે જ પોતાની નજર સામે માવો, પનીર, ઘી કે તેલની શુદ્ધતા ચકાસી શકશે.
જોકે, અત્યાર સુધીમાં શહેરના 200થી વધુ વેપારીઓએ આ કિટ વસાવીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. જનસ્વાસ્થ્યનું રક્ષણ કરતી આ નવી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે. તહેવારોમાં વધતી માંગ વચ્ચે ખાદ્ય સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત કરવા AMC દ્વારા સઘન પગલાં ભરવામાં આવ્યાં છે. આ કિટ દ્વારા મીઠાઈના રંગો અને ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળની પ્રાથમિક તપાસ હવે દુકાન પર જ શક્ય બની છે. જો કોઈ નમૂનો શંકાસ્પદ જણાય, તો તેને અંતિમ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
આ ઉપરાંત, ફૂડ વિભાગની ટીમ પણ સમયાંતરે તપાસ અભિયાન ચલાવી નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ પારદર્શક વ્યવસ્થાથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહ્યો છે અને વેપારીઓમાં પણ સંતોષ છે. ઉદાહરણ તરીકે, નિયમ મુજબ ખાદ્ય તેલનું TPC લેવલ 24થી વધુ ન હોવું જોઈએ. જેની સામે પ્રત્યક્ષ તપાસમાં આ લેવલ માત્ર 4.3 નોંધાતાં તેલની શુદ્ધતાની ખાતરી થઈ છે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના અન્ય વેપારીઓને પણ વહેલી તકે આ કિટ વસાવવા અપીલ કરવામાં આવી છે. કાઉન્ટર પર થતી આ ત્વરિત તપાસ માત્ર ખોરાકની ગુણવત્તા જ નથી ચકાસતી, પરંતુ દરેક પરિવારને નિશ્ચિંત બનીને તહેવાર માણવાનો ભરોસો પણ આપે છે. અમદાવાદથી શરૂ થયેલી ખાદ્ય સુરક્ષાની આ પહેલ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનું આયોજન છે, જેથી તહેવારોની ખુશીઓની સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે.
