નગર – વસ્તીથી થોડે દૂર જંગલમાં સ્થિત આ ગુરુકુલો સમગ્ર વિશ્વનું મંગલ કરી રહ્યા હતા. આ ગુરુકુલોના લાઈવ લોકેશનનું વર્ણન કરતા સાહિત્યસાગરમાં તરંગો ઉઠ્યા કે,

“કુદરત તણી કુંજગલીમાં, નોખી હતી એ સંતની નિશાળો…”

AI Generated Image

આ ગુરુકુલો અરણ્યના ઓઢણાં નીચે અધ્યાત્મના આશ્રમ બની રહ્યા.

આવા આધ્યાત્મિક આશ્રમો વિશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, “આશ્રમ એટલે કેવળ તપોવન, સાધુ સંન્યાસીઓની ગુફા, પડારો કે હિંદુ ધર્મની શુષ્ક વર્ણાશ્રમ સંહિતા નહિ, પણ સામુદાયિક સામાજિક આદર્શોની તપોભૂમિ…”

આ ગુરુકુલો જંગલની મધ્યે પણ જીવાત્માને જીવન ઝરમરની ઝાંખી કરાવતા હતા.

આ ગુરુકુલો જંગલની વનરાઈમાં આવેલા હતા.

ગાઢ વૃક્ષો અને ગંઠાયેલ વનસ્પતિથી ઢંકાયેલી જમીન એટલે વન – જંગલ.

પશુ પક્ષીઓથી ઘેરાયેલું વૃક્ષ-વેલીઓનું ઝુંડ એટલે વન – જંગલ.

ભારતીય સંસ્કૃતિ વનોના પારણામાં ઉછરી છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય સંસ્કૃતિને “તપોવનની સંસ્કૃતિ” તરીકે ઓળખાવી છે.

વન – જંગલનું મૂળ છે વૃક્ષો અને વનસ્પતિ. પૃથ્વી ઉપર અવતરેલા સજીવોમાં વનસ્પતિ અગ્રજ છે, મનુષ્યની અનુજ છે. વનસ્પતિ જેટલી પ્રાચીન છે, તેટલી જ સર્વવ્યાપી છે. પૃથ્વીના કોઈ પણ ખૂણે એક કે બીજું રૂપ ધારણ કરીને વનસ્પતિ શોભતી હશે. કુણા તૃણથી માંડીને વિશાળ વટવૃક્ષ સુધીના આકાર અને પ્રકારમાં વનસ્પતિ પાંગરી છે. પ્રાચીનકાળથી વનસ્પતિ-વૃક્ષ સાથે મનુષ્યનો નાડીપ્રાણસંબંધ રહ્યો છે. માનવજીવન સાથે વૃક્ષોને અંતરંગ સંબંધ છે. પારણાંથી લઈને ચિતાનાં લાકડાં સુધી અને બાળકના રમકડાથી દાદાજીની લાકડી સુધી વૃક્ષની હકુમત છે. તેથી જ તો વૃક્ષો માનવના મિત્રો છે. માનવે વૃક્ષ-વનસ્પતિની પૂજા શરૂ કરીને એને જીવનના મહાન તત્ત્વ રૂપે આદર આપ્યો છે. એટલા માટે તો ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો માત્ર ઉપયોગી વસ્તુ ન રહેતાં દેવતા રૂપ બન્યા અને આપણા અનેક પર્વોમાં વૃક્ષ પૂજાને આગવું સ્થાન મળ્યું છે.

વેદોમાં વૃક્ષોનું ગૌરવ ગાવામાં આવ્યું છે.  શ્વેતાશ્વતર ઉપનિષદમાં વૃક્ષને વિશ્વ પુરુષનું ઉપમાન આપેલુ છે. વૃક્ષો મનુષ્યની આંખોને આરામ આપે છે અને હૃદયને તૃપ્તિનો અનુભવ કરાવે છે. શીતળ છાયા, મધુર ફળો, વાતાવરણને સુરભિત કરતાં પુષ્પો, રંગોનું વૈવિધ્ય, ડાળ અને પાનની અનેક આકૃતિઓ જોતાં લાગે છે કે, વૃક્ષો એ જાણે રૂપ-રંગ-રસ નો લહેરાતો સાગર છે. વૃક્ષ એ જાણે ધરતીનું સંગીત છે, ઋતુઓનું સૌંદર્ય છે, આકાશમાં વ્યાપેલી કવિતા છે. વૃક્ષ તો સમગ્ર સૃષ્ટિની જીવાદોરી છે. કારણ કે, વૃક્ષો વાતાવરણમાંથી પુષ્કળ માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરે છે અને ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં ભેળવે છે. વૃક્ષો વાતાવરણનું તાપમાન ઘટાડે છે. ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાત જોવા મળે છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધી તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવામાં ઉપયોગી છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, માણસો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વૃક્ષોનું અત્યંત મહત્ત્વનું પાસું એ છે કે તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી નથી. ફળ, બીજ, ફૂલ, પાંદડાં, મૂળ તેમજ થડ પણ માનવજાતિ માટે કોઈને કોઈ રીતે ઉપયોગી છે.

વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી તાલાળી ઉજ્જડ લાગે છે. વૃક્ષો તો સંત સમાન છે. કારણ કે, વૃક્ષ તેના ઉપર પથ્થર ફેંકનારને પણ ફળ આપે છે. પુરાણકથા અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલ ઝેર ભગવાન શિવે પીધું. તેથી દેવો બચી ગયા અને પછીથી નીકળેલ અમૃત બધાને મળ્યું. વૃક્ષો હર પળે શિવ જેવો મહાન ઉપકાર કરી રહ્યા છે. અનેક પ્રકારના ઝેરી વાયુ અને પ્રદૂષણ પોતે પીએ છે અને જગતને શુદ્ધ હવા રૂપી અમૃત અને અનેક પ્રકારના જીવન ઉપયોગી પદાર્થ અર્પણ કરે છે. તેથી ‘વૃક્ષમાં વાસુદેવ’ … ‘વૃક્ષમાં વિષ્ણુ’… અને ‘છોડમાં રણછોડ’ ની ભાવના ભારતીય સંસ્કૃતિમાં વિકસિત થઈ. પોતાનું સમગ્ર જીવન પરમાર્થ માટે આપી દેનારા વૃક્ષો કહે છે કે,

“આવ્યા બની ગુલમહોર અમે, છલકાયા મનમોહક બની;

છાયા બની ઊભા અડીખમ, જઈશું બની પતજડ;

રહીશું અહીં શાખ બની, જીવીશું સદા સાથી બની.”

આવા પરમાર્થી વૃક્ષોના પાસંગમાં ગુરુકુલો પાંગર્યા. અનેકવિધ વૃક્ષો-વનસ્પતિઓના સમૂહ સ્થાન જંગલની ગોદમાં ગુરુકુલો ઝૂલવા લાગ્યા. આ ગુરુકુલો પર્વતોની તળેટીમાં આવેલા હતા.

પર્વત એટલે પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળા ભૂમિસ્વરૂપો. પર્વતો મોટે ભાગે તો હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે… જેમ કે, અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે. પર્વતો આજુબાજુના વિસ્તાર કરતાં એકાએક ઊંચાઈ પ્રાપ્ત કરતા હોવાથી અલગ તરી આવે છે. કુદરતી સૌંદર્યનો આદી અને અંત કોઈ હોય તો એ પર્વત છે… પર્વત એ પ્રકૃતિની સુંદર દેન છે. નદીઓનું મૂળ પર્વત છે. પર્વત પર વાંકાચૂંકા રસ્તાઓ અને બાજુમાં ખીણ પ્રાકૃતિક સૌંદર્યની નિશાની છે. પર્વત પરોપકારની પ્રતિમા છે. પર્વત પર વિવિધ ઔષધિઓ તથા વનસ્પતિ પ્રાપ્ત થાય છે. ઉચ્ચ જીવનનો આદર્શ શીખવતા પર્વતના આધારે આપણે ત્યાં સંગીતમાં પહાડી નામનો એક રાગ છે.. પર્વત એટલે આધ્યાત્મિકતાનો ઓટલો… કારણ કે, ત્યાં યોગી, ધ્યાની, તપસ્વીઓને આરાધના કરવા માટેનો આશરો મળી રહે… ભારતમાં મોટે ભાગે ઘણા ખરા મંદિરો પહાડ કે પર્વત પર આવેલાં છે. પર્વત સંસ્કૃતિનો સેતુ છે. સેતુ એટલે જોડનાર. રવીન્દ્રનાથ ટાગોરને કોઈકે કહ્યું કે : “હિમાલય, ચીન અને ભારતને જુદા પાડે છે.” તરત જ ટાગોરે કહ્યું કે : “ચીન અને ભારતને હિમાલય જોડે છે, જુદા નથી પાડતો.”

પર્વતનો ચરણ-સ્પર્શ કરતી જમીનને મળે છે બિરુદ તળેટીનું …! અને આ તળેટીમાં ગુરુકુલો વિકાસ પામ્યા.

આ ગુરુકુલો નદી કિનારે વસેલા હતા. નદી એટલે ભૂપૃષ્ઠ પરના પહાડી પ્રદેશોમાંથી નાનાંમોટાં ઝરણાં રૂપે નીકળી તળેટીપ્રદેશમાં ઢોળાવ આધારિત વહનપથ પરથી એકધારો વહીને ઘણુંખરું સમુદ્રમાં ભળી જતો જળપ્રવાહ. ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા દ્વારા ભૂપૃષ્ઠ પર મોટા પાયા પરના ફેરફારો માટે નદી ઘણો મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ નદી ઊંચાણવાળા ભૂમિભાગમાંથી નીચાણવાળા પ્રદેશ તરફ વહેતી હોય છે, પરંતુ તેના પ્રવાહપથની દિશા અને વળાંક સ્થાનિક સ્થળદ્રશ્ય મુજબ બદલાતી રહે છે. પૃથ્વી ઉપર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો. હકીકતમાં જળ એ જીવનની પહેલી શરત છે. જળના સ્ત્રોતને અવિરત વહાવે એનું નામ નદી. નદી મન મુક્ત હોય છે. એ કદી બંધાયેલી ન હોય, હંમેશા ખળખળ વહેતી હોય છે. પર્વતનું પિતૃત્વ અને ખીણનું માતૃત્વ એકબીજામાં ઓતપ્રોત થાય ત્યારે નદી વહેતી થાય છે. પર્વતમાંથી ઝરણાસ્વરૂપે ખિલખીલાટ ઉછળતી કુદતી નદીને જોઈને કવિહૃદયો એ કહ્યું છે કે,

“નદી જેવું કોઈ ગીત નહીં, નદી જેવી નહીં કોઈ સરગમ;

નદીમાં તો થાય છે કેટકેટલીયે સંસ્કૃતિઓનો સંગમ…”

આપણે ત્યાં કહેવાયું છે – “पिबन्ति नद्यः स्वयमेव नाम्भः” એટલે કે નદીઓ પોતે પોતાનું જળ પીતી નથી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણે માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, પણ એક જીવંત એકમ છે અને એટલે જ આપણે નદીઓને માતા કહીએ છીએ. વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જે નદીને માતા માને છે. નદીની વાત કરીએ એટલે ભારોભાર સમૃદ્ધિની વાત કરવા સમાન છે. જ્યાં નદી હશે ત્યાં જ સમૃદ્ધિ હશે. તેથી જ, કાકાસાહેબ કાલેલકરે નદીનાં ‘લોકમાતા’ અને ‘જીવનલીલા’ જેવા નામ રાખ્યા છે. ભારત દેશમાં અનેક પર્વ, તહેવાર, ઉત્સવ નદીમાતાના ખોળામાં ઉજવાય છે. સાહિત્યના સલીલમાં તો મહાસાગરો કરતાંય નદીઓને સ્નાન કરવાનો અવસર વધારે મળ્યો છે…

“અજાણ્યાં અદ્ભુત રહસ્યોને પોતાના ઉદરમાં વહન કરનારા

એ મહાસાગરો કરતાં તો મને વહાલી લાગે છે,

મારી ઓળખીતી-પાળખીતી નદી નિરા.”

આપણા દેશમાં નદીને ઉપયોગી જ નહીં, પવિત્ર પણ ગણવામાં આવે છે. એક કરતાં વધારે રાજ્યોમાં કે દેશોમાં થઈને વહેતી નદીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમા વિવાદોથી પર હોય છે. નદીઓના કિનારે નગરો વિકસ્યા અને તેથી નદીઓના નામને આધારે જ નગર, શહેર, પ્રદેશ અને રાજ્યના નામ પડ્યા. જેમકે, સતલજ (સતદ્રુ), ચિનાબ (ચંદ્રભાગા), બીઆસ (વિપાસા), જેલમ (વિતસ્તા), રાવી (ઈરાવતી) એમ પાંચ નદીઓનો પ્રદેશ એ પંચનદ એટલે કે પંજાબ.

નદીઓ વહેતી વહેતી કહે છે,

“હું એક નદી બુંદ બુંદ સંગ્રહિત કરી અસ્તિત્વ મારું ઘડતી,

આગળ વધવું એ જીવન છે એ વહેતાં વહેતાં સૌને હું શીખવતી.

લાંબા હોય સફર કે મંઝીલ હોય પાસ કદી ના હું થાકતી,

મુશ્કેલીઓ આવે મારગમાં તો સંયમ કદી ના રાખતી.”

આ નદીના તટે ખળખળ વહેતા જળસંગીતના સાનિધ્યમાં ગુરુકુલો આવેલા હતા.

જંગલ, પર્વત અને નદીના ત્રિવેણીસંગમ પર ગુરુકુલો એટમોસ્ફિયર સાથે એકરૂપ બન્યા. જંગલની લીલીછમ વાડીમાં ગુરુકુલનું ફૂલ ખીલ્યું. જંગલમાં મંગલ સર્જાયું… ગુરુકુલથી.