Connect Gujarat
Featured

ખોટું કદી કરતો નથી, સાચું હોય તો કર્યા વગર રહેતો નથી

ખોટું કદી કરતો નથી, સાચું હોય તો કર્યા વગર રહેતો નથી
X

શિક્ષકને છૂટો દોર મળે તો આવતીકાલનો નાગરિક ટકોરા બંધ બહાર પડે. છૂટો દોર એટલે શિક્ષકના કાર્યક્ષેત્રમાં આવતી દરેક વસ્તુ એની મરજી પ્રમાણે બદલે, બીજા પાસે બદલાવવાનો આગ્રહ રાખે, વિરોધ કરનારાને સમજાવવાનો પુરેપુરો પ્રયાસ કરે અને ન જ માને તો, મારે તો આ પરિણામ જોઈએ, આટલા સમયમાં અને એ સમયમર્યાદા પતે એટલે શિક્ષક જે ઈચ્છતો હતો એનું શું પરિણામ આવ્યું ? ધારવા કરતા ઓછું આવ્યું તો તેના કારણો ચકાસી, ફરી એ ત્રુટીઓ ન થાય તેની ખુલ્લા દિલે ચર્ચા કરે. ધારવા કરતા સારું પરિણામ આવ્યું તો એનો યશ એ બધાને આપે.

બદલાવ, પરિવર્તન પહેલી ક્ષણે એનો વિરોધ હોય જ, દૂરોગામી પરિણામ ખુબ સારા મળવાના છે એની ખાતરી હોવા છતાં, કારણ કે બળદગાડાથી ગતિ કરતો માણસ અકલ્પ્ય ગતિએ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે એવા સાધનો હાથવગા થતા જાય છે એવી વાસ્તવિકતામાં આપણે સૌ ઝઝૂમી રહ્યા છીએ.

મંગળ અને બુધ સવારે ૧૨૦ મિનિટ નારાયણ બાપુના આશ્રમમાં અને શાળાના હોલમાં ઉપરોક્ત વાતો સાંભળવાનો લ્હાવો મળ્યો. ડૉ. ભગુભાઈ પ્રજાપતિનું શિક્ષક અને આચાર્યની ગરિમાને ઉજાગર કરતું પુસ્તક 'શિક્ષક અમૃતમ'નું વિમોચન શ્રી હર્ષદરાય બી પટેલે (પૂર્વ આચાર્ય, એલેમ્બિક વિદ્યાલય, વડોદરા) કર્યું હતું. ૧૩ વર્ષ શિક્ષક અને ૨૨ વર્ષ આચાર્ય તરીકેની ફરજ બજાવતા જે અનુભવો થયા હતા તે 'વર્ક ટુ હોમ'માં સફેદ કાગળ પર હરણની ગતિએ દોડતા ગયા. જેને કોમ્પ્યુટરના સ્ક્રીનમાં પુરવાનું કપરું કામ શ્રીમતી દીપિકા સોલંકી દ્વારા થતું ગયું. મનન, મંથન અને ચિંતનના પરિપાક રૂપે ૯૭ પાનાનું પુસ્તક, ૩૪ પ્રકરણોમાં વહેચાયેલું છે. જેમાં પાનેપાને ચિત્ર, કાવ્ય, સુવાક્ય, શિક્ષણ અને શિક્ષકની વાતો એક બેઠકે વાંચવી ગમે, ઊડીને આંખે વળગે એ રીતે પ્રિન્ટ થયેલી છે. 'શિક્ષક અમૃતમ' પુસ્તક રૂપે છે. નારાયણ વિદ્યાલયમાં સંપર્ક કરશો તો વાંચવા મળશે, એટલે અહીં અટકુ છું.

મૂળવાત શ્રી હર્ષદરાય બી. પટેલ પ્રતિભાશાળી વ્યકિત, સફારીમાં સજ્જ, શુદ્ધ ગુજરાતીમાં બોલવાનો સતત પ્રયત્ન, અંગ્રેજી ભાષાનું એટલું જ ઊંડું જ્ઞાન હશે ત્યારે તો શિક્ષણ વિભાગે એમને વિદેશ પ્રવાસે મોકલેલા.

વડોદરાના એવા પરિવારો જેમનું આર્થિક પાસુ ડાયનાસોર જેવું, એમના સંતાનોને સ્વચ્છતા, સ્વાવલંબી બનાવવાની પ્રયોગશીલ પહેલ અમને કરેલી. જે માટે પ્રેકટીકલ પ્રયોગો કરી હંમેશ માટે દરેક વર્ગના વિદ્યાર્થીએ આટલું તો કરવાનું જ. એ વાતનો પ્રથમ તબક્કે શાળાના શિક્ષકો વિરોધ કરે એમને વિશ્વાસમાં લઇ વાલીઓને હોંશેહોંશે હા જરૂરથી અમારું સંતાન શાળામાં એના વર્ગની સફાઈ કરશે, સુશોભિત બનાવશે. એવો નવતર પ્રયોગ ૧૯મી સદીના અંતિમ દાયકામાં કરેલો. પરિણામ સ્વરૂપ આજે સોમ્ય સ્વરભાવના શ્રી હર્ષદરાયને વિદેશથી પરત આવતા વિદ્યાર્થી મળે છે. એ વંદન કરીને કહે છે સર, તમે જે સાવરણી પકડાવેલી આજે અમે વિદેશમાં અમારા ઘરમાં, કામની જગ્યાએ વેક્યુમક્લીનર રાખી સ્વચ્છતા રાખતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી એ જ પાઠ અમે અમારા સંતાનોને આપવા પ્રયત્ન કરીશું.

શાળા દ્વારા વન ડેથી માંડીને વેકેશનમાં બે વીક સુધી સ્કૂલ ટૂર ઉપાડે. વિદ્યાર્થીઓ અને એમની કક્ષા પ્રમાણેના શિક્ષકો ટૂરમાં સાથે જાય. લગભગ બધી જ સ્કૂલમાં પ્રવાસનું આયોજન હોય. શ્રી હર્ષદરાય સ્કૂલના વાલીઓને પ્રવાસમાં લઇ જાય, આચાર્યપદની ગરિમા સચવાય એ રીતે એ પણ પ્રવાસમાં વાલીઓ સાથે જોડાય. જેથી બસમાં એમની સાથે જોડાય. પ્રવાસ દરમિયાન આચાર્ય સાથે વાલી પેટ છૂટી વાત દરેક વાલી કરી શકે. સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે મુકત રીતે વાત કરી શકે. આ વિચારને શ્રી હર્ષદરાય પટેલે વર્ષો સુધી સાકાર કર્યો. એમણે કહ્યું કે હું સાયકોલોજીનો અભ્યાસુ. કોઈપણ બે પાંચ મિનિટ મને મળે એટલે મને ખબર પડી જાય કે આ વિદ્યાર્થી, શિક્ષક, વાલી, વહીવટીતંત્રના અધિકારીને મારી પાસેથી શી અપેક્ષા છે ? જો એ યોગ્ય હોય, હકારાત્મક હોય તો સો ટકા ત્વરિત પૂરી કરવાની મારી તૈયારી. અપેક્ષા ખોટી, અસંગત હોય તો સ્પષ્ટ શબ્દોમાં હું એને 'ના' કહેવાની ખુમારી રાખતો. ખોટું કદી કરતો નથી, સાચું હોય તો કર્યા વગર રહેતો નથી. પ્રતિવર્ષ શાળામાં ઇન્સ્પેકશન આવે શિક્ષણાધિકારી અને એમના પ્રતિનિધિઓ શાળામાં આવીને સરકારી નિયમ પ્રમાણે શાળા ચાલે છે કે નઈ તે અંગેની તપાસ કરે. આ અંગેના વાર, તારીખ, સમય મુકરર કરેલા હોય છે. શ્રી હર્ષદરાય ઇન્સ્પેકશનના દિવસે શિક્ષણાધિકારીને એમની ઓફિસમાં બેસાડી આચાર્ય તરીકે એમની ફરજમાં આવતો તે દિવસનો વર્ગ લેવા જાય. એવા શ્રી હર્ષદરાયને સો સો સલામ!

Next Story