/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-106.jpg)
ગઈકાલે ભારે વરસાદને પગલે રાજપારડી નજીક પાણીમાં તણાયેલી બસમાંથી 17 મુસાફરોને બચાવ્યા હતા
ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. પ્રથમ વરસાદની સાથે જ અનેક સમસ્યાઓ પણ સામે આવી હતી. તેવામાં રાજપારડી પાસેથી પસાર થતી 17 મુસાફરો ભરેલી એક બસ પાણીનાં પ્રવાહમાં તણાઈ હતી. જેમની મદદે આવી પહોંચેલી રાજપારડી પોલીસે સ્હેજ પણ પરવા કર્યા વિના આ તમામ મુસાફરોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. જે કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંઘે પોલીસની કામગીરીને બિરદાવી અને ખૂબ વખાણ પણ કર્યા છે.
આ અંગે જિલ્લા પોલીસવડા સંદિપ સિંઘે કનેક્ટ ગુજરાત સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજપારડી પોલીસ મથકનાં પીએસઆઈ પી.સી.સરવૈયા અને તેમનાં સાથી કર્મચારીઓ સાથે તેમને મળેલા મેસેજ અનુસાર રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગયા હતા. બસ પાણીમાં તણાઈ જતાં ફસાયેલા મુસાફરોને બચાવવા માટે તેમની પાસે જે કંઈ હતું તેની મદદથી આ મુસાફરોને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસની ટીમ ખૂબ રિસ્ક લઈને પાણીમાં ફસાયેલી એસટી બસ સુધી પહોંચી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલું આ કામ ખૂબજ સરાહનીય છે. અને બિરદાવવા લાયક છે. રેસ્ક્યુ ટીમમાં સામેલ તમામ પોલીસ કર્મીઓને યોગ્ય સન્માન મળે તેમ માટે ઉચ્ચ કક્ષાએ આ બાબતને મૂકીશું. ભરૂચ પોલીસ તરફથી આ તમામ કર્મીઓને બિરદાવું છું અને તેમના કાર્યને આવકારું છું.