Connect Gujarat
ગુજરાત

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે મેળવેલા વિજયને લઈ ચેતેશ્વર પુજારાનાં પિતાએ આપ્યું નિવેદન

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે મેળવેલા વિજયને લઈ ચેતેશ્વર પુજારાનાં પિતાએ આપ્યું નિવેદન
X

ચેતેશ્વર પૂજારાએ પ્રથમ ઇનિંગમાં 123 રનની ઇનિંગ રમી ટેસ્ટમાં પોતાના 5 હજાર રન પુરા કર્યા.

એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવ્યું હતું. આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટિનશીપમાં ભારત ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ છે. આ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાએ પ્રથમ ઇનિંગમાં 123 રનની ઇનિંગ રમી હતી. તો પૂજારાએ ટેસ્ટમાં પોતાના 5 હજાર રન પુરા કર્યા હતા.

જેને લઈને ચેતેશ્વરનાં પિતાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને ઐતિહાસિક વિજય સાંપડ્યો છે. ચેતેશ્વરે ઓસ્ટ્રેલિયામાં ક્લાસિક ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ અને પર્ફોમન્સ મને ખુબ ગમ્યું. ટીમ ઇન્ડિયાએ પણ સારો દેખાવ કરીને ઈતિહાસમાં નામ અંકિત કર્યું છે. ભારતે 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં કોઇ ટેસ્ટ મેચ જીત્યો છે. અંતિમ વખત ભારત 2008માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટમાં જીત્યું હતું. એડિલેડ ઓવલની વાત કરીએ તો ભારત 15 વર્ષ બાદ અહી જીત્યુ છે. અંતિમ વખત એડિલેડમાં ભારત 2003માં જીત્યુ હતું. જ્યારે દ્રવિડે ભારતને 4 વિકેટથી યાદગાર જીત અપાવી હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત પ્રથમ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે.

વિરાટ કોહલી પ્રથમ એશિયન કેપ્ટન બન્યો છે જેને એક જ વર્ષમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીતી છે. એક મેચમાં સૌથી વધુ કેચનો રેકોર્ડ પણ બન્યો હતો. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી મેચમાં 35 કેચ પકડવામાં આવ્યા હતા. આ પહેલા એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ કેચનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષે કેપટાઉનમાં રમાયેલી મેચનો હતો. જેમાં 34 કેચ પકડવામાં આવ્યા હતા.

વિરાટ કોહલીએ વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટ કોહલીની વિદેશમાં આ 5મી ટેસ્ટ જીત છે. દ્રવિડે પણ 5 ટેસ્ટ મેચ જીતી હતી. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં પોતાના 1000 રન પણ પુરા કર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટમાં 16મી સદી ફટકારી હતી. આ સાથે જ તેને સૌથી વધુ સદી ફટકારવા મામલે સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી હતી.

Next Story