રાજ્યના ૭ જિલ્લામાં પૂરની સ્થિતિ અને ૨૬ લોકોના મોત થયા
રાજ્યમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પૂરની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના ૭ જિલ્લામાં પૂરની સ્થિતિ અને ૨૬ લોકોના મોત થયા બાદ આજે અચાનક જ રૂપાણી સરકાર પૂરમાં ફસાયેલા લોકોની વહારે આવવા સક્રિય થઈ છે. મુખ્યપ્રધાને વરસાદને લઈ બેઠક બોલાવી હતી. આ બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે મળી હતી.
આ બેઠકમાં મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા. આ પહેલા મુખ્યપ્રધાને કંટ્રોલરૂમમાં જઈ કામનું નિરીક્ષણ કર્યું હતુ. વરસાદથી સૌથી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર તેમજ ઉનાના પ્રાંત અધિકારી સાથે કંટ્રોલ રૂમમાંથી જ સીધો ટેલિફોનિક સંપર્ક કરી વિગતો મેળવી હતી અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી અને આ સાથે જ રાહત બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક બાદ મુખ્યપ્રધાને કહ્યું કે,’તમામ જગ્યાએ વરસાદને પગલે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. નવી બોટો પણ મંગાવવામા આવી છે. જરૂર પડશે તો એરફોર્સની પણ મદદ લેવામાં આવશે’.પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે,’ પીએમનો પ્રોગ્રામ યથાવત છે’.