ભરૂચના જંબુસર પંથકનો વિવાદ

વેડચ ગામે કરાય કાર્યવાહી

દબાણ હટાવવાની કામગીરી

રાજકીય કિન્નાખોરીના કારણે કાર્યવાહીના આક્ષેપ

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામે દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે વિવાદ સર્જાયો હતો. રાજકીય કિન્નાખોરીમાં આ કાર્યવાહી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

ભરૂચના જંબુસરના વેડચ ગામે આમ આદમી પાર્ટીના પૂર્વ આગેવાન રસિક જાદવના મકાનનું કથિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે જે.સી.બી.ની મદદથી બાંધકામ દૂર કરવામાં આવતા પરિવારજનોએ સ્થળ પર વિરોધ નોંધાવ્યો હતો.

પરિવારજનોએ જે.સી.બી. સામે બેસી જઈ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે રાજકીય કિન્નાખોરીના કારણે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.બીજી તરફ, આ બાંધકામ ભાજપના આગેવાન મિલેન્દ્રસિંહ રાઠોડના ખેતરમાં જવાના રસ્તામાં નડતરરૂપ હોવાના આક્ષેપને પગલે દૂર કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલે વેડચ ગામના સરપંચે જણાવ્યું હતું કે, નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર જ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.હાલ સમગ્ર મામલે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે વેડચ ગામમાં દબાણ હટાવવાની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.