/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/30153424/maxresdefault-367.jpg)
નર્મદા નદીના જળમાં વધી રહેલી ખારાશના કારણે દહેજ જીઆઇડીસીના ઉદ્યોગોની હાલત કફોડી બની છે ત્યારે દરિયાના પાણીનું શુધ્ધિકરણ કરી તેને વપરાશલાયક બનાવતાં રાજયના પ્રથમ ડિસેલીનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપુજન કરાયું.
નર્મદા નદીના પાણીમાં ખારાશ વધી જવાથી દહેજના ઉદ્યોગો ઘણા સમયથી પાણીની તંગીનો સામનો કરી રહયાં છે. દહેજના 300થી વધારે ઉદ્યોગોની પાણીની જરૂરિયાત નાંદ અને અંગારેશ્વર ગામમાં આવેલાં જીઆઇડીસીના પંપિપ સ્ટેશન તેમજ નર્મદા કેનાલના પાણીમાંથી પુરી કરવામાં આવી રહી છે. દહેજના ઉદ્યોગો માટે હાલ ૪૫૪ એમએલડી પાણી પૂરવઠા યોજના કાર્યાન્વિત છે. પીસીપીઆઇઆરનો આગામી દિવસોમાં વિકાસ થવાના કારણે પાણીની માંગમાં વધારો થશે.
પાણીની જરૂરિયાતને પહોચી વળવા માટે વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુદ્ધિકરણથી તેને વપરાશ લાયક બનાવવા ૧૦૦ એમએલડી ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ દહેજમાં નિર્માણ પામશે. આશરે ૨૫ હેકટર વિસ્તારમાં રૂ. ૮૮૧ કરોડના ખર્ચે આકાર લેનારા ડીસેલીનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન કરાયું હતું. ડિસેલીનેશન પ્લાન્ટમાં આવતા પહેલા ૨૦ એકરમાં સેટલિંગ પોંડ (તળાવ) બનાવવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. દહેજમાં ડીસેલીનેશન પ્લાન્ટના નિર્માણના સરકારના નિર્ણયને ઉદ્યોગકારોએ આવકાર્યો છે. દહેજ ખાતે આવેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંકલેશ્વરમાં સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવાની પણ જાહેરાત કરી છે.