વિકાશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતાનું ઉદાહરણ
ભુંડમારિયામાં રસ્તાના અભાવે હાલાકી
દર્દીને હોસ્પિટલ પહોંચાડવું બન્યું જોખમરૂપ
પ્રસુતાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાની ફરજ પડી
કાદવ કીચડવાળો રસ્તો ખેડીને 108 સુધી પહોંચ્યા
છોટાઉદેપુર જિલ્લામાં પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે.ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ જવામાં આવી હતી.જે ઘટના વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા દર્શાવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી પહોંચવા માટે, ગ્રામજનોએ મહિલાને કાદવ-કિચડવાળા રસ્તાઓ, કોતરો અને ઝરણાં પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. સગર્ભા મહિલાને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી,પરંતુ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી 108 આવી શકે તેમ ન હોવાથી 108 ને ફોન કરીને ચાર કિલોમીટર દૂર કોટબી બોલાવવામાં આવી હતી.
ત્યારે બીજી બાજુ પ્રસૂતા મહિલાના પરિવારજનો કાપડની ઝોળી બનાવીને મહિલાને ઝોળીમાં સુવડાવી ઉંચકીને ચાલતા કોટબી સુધી જવા નીકળ્યા હતા,કાચો રસ્તો, કાદવ કીચડથી ભરપૂર અને કોતરના પાણી, ઝરણા પસાર કરીને આખરે કોટબી ઉભી રહેલી 108 સુધી પહોંચ્યા હતા,અને મહિલાને 108માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. અગાઉ પણ જિલ્લામાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે,પરંતુ વહીવટીતંત્ર આ બાબતે કોઈ ધ્યાન અપાતું ન હોય તેમ લાગી રહ્યું છે.