ઘોઘા ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલીઝંડી આપી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો
અનેક વિધ્નો અને લોકાર્પણનાં બબ્બે કાર્યક્રમોની જાહેરાતનાં અંતે આખરે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે દહેજ-ઘોઘા રોપેક્ષ ફેરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતની સૌથી મોટી ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો પેસેન્જર ફેરી સર્વિસ આજથી આરંભ થઈ ગયો છે.
રોરો ફેરી સર્વિસનું લોકાર્પણ ઘોઘા ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહનોને લીલીઝંડી આપી કર્યું હતું. આ સાથે જ 360 કિ.મી.ને બદલે ઘોઘા-દહેજ વચ્ચેનું અંતર ઘટીને માત્ર 31 કિ.મી. થઇ જશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 25મી જાન્યુઆરી 2012ના રોજ ઘોઘા ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોઘા ખાતે ખાતમુર્હૂત કરતી વેળાએ સમગ્ર પ્રોજેક્ટ 15 માસમાં શરૂ કરવાનું કહ્યુ હતુ, પરંતુ 22મી ઓક્ટોબર 2017ના રોજ ઘોઘા તેથી વડાપ્રધાને માત્ર પેસેન્જર સર્વિસ પ્રથમ ચરણ તરીકે લોકાર્પિત કર્યુ હતુ.
આ રોપેક્ષ ફેરીમાં 60 ટ્રક, 525 મુસાફરો અને 35 કાર એક ટ્રિપમાં મુસાફરી કરી શકશે. મુસાફરો માટે બિઝનેસ ક્લાસ, એક્ઝિક્યુટિવ ક્લાસ, ઇકોનોમી ક્લાસ રાખવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડકમાર્ગનું ભારણ ફેરી સર્વિસથી થઇ શકશે. દરમિયાન બાડી-પડવા સહિતના 12 ગામના ખેડૂતોની સંઘર્ષ સમિતિએ મુખ્યમંત્રીને કાળાવાવટા બતાવી વિરોધ પ્રદર્શિત કરવાની ઘોષણા કરવામાં આવી છે.