Connect Gujarat
Featured

ખેડા : ઇતિહાસમાં પ્રથમ વખત ડાકોરના રણછોડરાય મંદિરે થઈ બંધ બારણે “જન્માષ્ટમી”ની ઉજવણી

ખેડા : ઇતિહાસમાં પ્રથમ વખત ડાકોરના રણછોડરાય મંદિરે થઈ બંધ બારણે “જન્માષ્ટમી”ની ઉજવણી
X

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર પ્રશાસન દ્વારા જન્માષ્ટમીના પર્વની ઉજવણી ભક્તો અને દર્શનાર્થીઓની ગેરહાજરીના કારણે નીરસ જોવા મળી હતી. જોકે ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને પ્રભુનો દર્શનલાભ મળ્યો હતો.

યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં રાત્રીના 12 કલાકે શ્રીજીપ્રભુને લલાટે કુંમ કુંમ તિલક કરી અને આતશબાજીના 5 ધડાકાની સલામી સાથે પ્રારંભ થયો છે. જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન, બાદ ચુનારીયા વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા હતા. જોકે કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે જન્માષ્ટમી નિમિત્તે રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. મંદિરમાં પૂજારીઓને પણ મર્યાદિત સંખ્યમાં જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે મંદિર મેનેજમેન્ટ કમિટીની તૈયારીઓમાં પણ કોઈ પ્રકારની ઉજવણીમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો.

ડાકોરના ઠાકોરજી મંદિર ખાતે જન્માષ્ટમીના સેવાદર્શન બાદ બાલ ગોપાલલાલજી મહારાજને મંદિરમાં સોનાના પારણે ઝુલાવવામાં આવ્યા હતા. જે સમયે કિર્તનિયા સેવકો દ્વારા કિર્તનથી લાડ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરને માત્ર અંદરથી જ સામાન્ય રોશની અને આસોપાલવથી શણગારવામાં આવ્યું હતું. ઉપરાંત બહારની બાજુએ કોઈ જ ઝાકમઝોળ જોવા મળી ન હતી. જોકે અવિરત વરસતા વરસાદના કારણે બહાર રાખવામાં આવેલા દિવડાનો ઝગમગાટ ઝાઝો ટક્યો ન હતો. જોકે આ વર્ષે કોરોના મહામારીના પગલે બંધ બારણે જ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે નંદ મહોત્સવ રદ્દ કરવામાં આવ્યો હતો. મંદિરના સાડા આઠસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો બનાવ બનતા ભકતોમાં નારાજગી પણ જોવા મળી હતી.

Next Story