Connect Gujarat
Featured

ડાંગ : આહવા ખાતે વન મંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું અભિવાદન સાથે સન્માન કરાયું

ડાંગ : આહવા ખાતે વન મંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું અભિવાદન સાથે સન્માન કરાયું
X

શબરીની પાવનભૂમિ એવા ડાંગના આંગણે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ દરમિયાન કોરોનાના કહેર વચ્ચે જ્યારે શિક્ષણ કાર્ય બન્ધ છે, તેવા સમયે રાજ્ય સરકારે જે કામગીરી શિક્ષકોને સોંપી, તે તેમણે બખૂબી નિભાવી છે તેમ જણાવી મંત્રી ગણપતસિંહ વસાવાએ, શિક્ષક દિન ઉજવણી નિમિત્તે આજે રાજ્યભરમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પને માનવસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. સાચા કર્મયોગીની ભૂમિકા અદા કરનારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતા શિક્ષકો સંસ્કારી સમાજનિર્માણ માટે ખૂબ અગત્યની જવાબદારી બજાવે છે ત્યારે આ સન્માન પુરી શિક્ષણ આલમનું સન્માન છે.

શિક્ષકો, વાલી મંડળ અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને સંકલન ને કારણે આજે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહ્યું છે, ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા શિક્ષકોની મંત્રીશ્રીએ સરાહના કરી હતી. ગ્રામ્ય સમાજ પણ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા આવા ગુરુજનોને અદકેરું માન-સન્માન આપી રૂણ સ્વીકારે છે તેમ તેમણે જણાવ્યું હતું. જીવનમાં શિક્ષણનું મહત્વ વર્ણવતા મંત્રી ગણપતસિંહ વસાવાએ જીવનની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે શિક્ષણ જ એકમાત્ર તરણોપાય છે તેમ જણાવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે અમલી શાળા પ્રવેશોત્સવને કારણે ડાંગ જિલ્લામાં ઘટેલા ડ્રોપ આઉટ રેશિયો અને બોર્ડની પરીક્ષાઓના શ્રેષ્ઠ પરિણામનો ઉલ્લેખ કરી મંત્રીએ આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન શાળાઓ અને કોલેજોની એક આખી શૃંખલા કાર્યરત થઈ છે તેમ જણાવ્યું હતું.

આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સહિત, સમરસ હોસ્ટેલો, આદર્શ નિવાસી શાળાઓ અને છેલ્લે ટ્રાયબલ યુનિવર્સિટી પણ રાજ્ય સરકારે શરૂ કરી છે, જેને કારણે આદિવાસી સમાજમાં શિક્ષણની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે, તેમ જણાવી આદિજાતિ મંત્રીએ આદિવાસી સમાજની દીકરીઓના શિક્ષણ સ્તરમાં પણ વધારો થયો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોમા કર્મયોગી શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે ત્યારે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા ગુરુજનોમાંથી સૌને પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો. શિક્ષણ ક્ષેત્રે ડાંગ જિલ્લાની વિસ્તરતી ક્ષિતિજોનો ખ્યાલ આપી વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલે શિક્ષકો પાસેથી સમાજને બહુ મોટી આશા અને અપેક્ષા છે તેમ જણાવી, સન્માન મેળવનારા ગુરુજનોને શુભકામનાઓ પાઠવી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિરેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યભરમાં શિક્ષકો દ્વારા જરૂરિયાતમંદો માટે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પને શુભકામના પાઠવી, કાર્યક્રમનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.

Next Story