-
અષાઢી બીજના રોજ 148મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું
-
જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જળયાત્રાનું આયોજન
-
ભગવાનને પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું
-
સાધુ સંતોએ માલપુવા - દૂધપાક સહિતનો પ્રસાદ ગ્રહણ કર્યો
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પૂર્વે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી. દર વર્ષે જળાભિષેક માટે સાબરમતી નદીમાંથી પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર AC ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. જોકે, મંદિરે ભગવાન પરત ફર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાધુ-સંતો, યજમાન સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો.
અમદાવાદના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે ભગવાનને દુધ, દહી, ખાંડ, મધ, પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવામાં આવ્યું હતું. વિષ્ણુ અવતાર ભગવાન જગન્નાથજીને પ્રિય તુલસી દલ અર્પણ કરાયું હતું, અને આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળ, કાળી રોટી એટલે કે માલપુવા અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો. તો બીજી તરફ, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી હતી.