સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. કોરોનાના કારણે હતાશામાં ગરકાવ થઇ ગયેલા લોકો હવે તહેવારોની ઉજવણી મન મુકીને કરી રહયાં છે....
ભરૂચ ખાતે સાતમથી દશમ સુધી મેઘરાજાનો મેળો ભરાઇ છે. શ્રાવણ વદ નોમના દિવસને છડી નોમ તરીકે ઉજવવામાં આવે છે. માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો મેઘરાજા તથા છડીઓના દર્શન કરવા માટે ઉમટી પડે છે. શ્રાવણ વદ નોમના દિને ભરૂચના ખારવા,ભોઇ તેમજ વાલ્મિકિ સમાજ દ્વારા શહેરના વિવિધ સ્થળોએથી છડી યાત્રા કાઢવામાં આવી હતી.
આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચા વાંસને ત્રણે સમાજના અગ્રણી યુવાનો શરીરના વિવિધ અંગો પર રાખી તેને નચાવવામાં આવ્યાં હતાં.ત્રણે છડી અલગ-અલગ સ્થળેથી નીકળી ઢોલ-નગારાનાના નાદ સાથે એકમેકને ભેટી ત્યારે ભકિતસભર માહોલ ઉભો થયો હતો. જય ઘોઘાવીર,જય મેઘરાજ અને જય છડીમાતાના નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. એક માન્યતા પ્રમાણે છડી જયારે રોડ પરથી પસાર થાય છે ત્યારે લોકો શ્રધ્ધાભેર નીચે જમીન પર બેસી જાય છે. આમ કરવાથી સ્વાસ્થય સારૂ રહેતું હોવાની માન્યતા છે. અને છડી તેમના પરથી પસાર થઇ જાય છે.છડી તેમના ઉપરથી પસાર થયે માતાજીના આશીષ મળે છે.
ભરૂચમાં ઉજવવામાં આવતાં મેઘરાજાના મેળા તથા છડી મહોત્સવની વાત કરવામાં આવે તો.. દંતકથા મુજબ ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી નોમ ચાર દિવસ સુધી સષ્ટિ પર આવે છે અને આ દિવસોએ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દૈવી પુરુષનું પ્રતિક છડી છે. છડીએ તેની માતા બાછળનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે. અને ખેસ બાંધવામાં આવે છે. છડીને વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢી ઝુલવવામાં આવે છે. અંદાજે ૩૦ થી ૪૦ ફૂટ ઊંચી છડીને હાથ, છાતી,કપાળ, મોંથી ઝુલાવવામાં આવે છે. આ પરંપરા એક પેઢીથી બીજી પેઢી જાળવી રાખતી આવી છે...