-
શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી
-
સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી
-
મંગળા અને શણગાર આરતીમાં લાખો ભક્તોએ લ્હાવો લીધો
-
કષ્ટભંજન હનુમાન દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન
-
51 હજાર બલૂન ડ્રોપથી તમામ ભક્તોનું ભવ્ય સ્વાગત કરાયું
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે, ત્યારે આજરોજ ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજ-અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અંદાજે રૂ. 9 કરોડથી વધુના 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા છે. શ્રી હનુમાન જયંતિ અને શનિવારના અનોખા સમન્વય સાથે વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી. આ સાથે જ પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી સહિત સમુહ મારૂતી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
વધુમાં 250 કિલોની કેક કાપી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે તૈનાત રહ્યા છે, ત્યારે આજરોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.