-
ગિરનારની ગોદમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ
-
ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરી વિધિવત મેળો શરૂ
-
હર હર મહાદેવ નાદ સાથે ભવનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
-
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન છે મેળો
-
5 દિવસ સુધી સાધુ-સંતો, લાખો ભાવિકો ગિરનાર ખાતે ઉમટશે
જુનાગઢના ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં આજથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જુનાગઢમાં વર્ષો જૂની પરંપરા સાથે પાવનકારી ભૂમિ ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિ-અનાદી કાળથી ચાલતી પરંપરા પ્રમાણે ભવનાથ મહાદેવની ધર્મ ધજાનો જયકારો બોલાવી મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે, ત્યારે ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિ મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજ, જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજ, બુદ્ધગીરી મહારાજ તેમજ જુનાગઢ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
જુનાગઢ મનપાના અધિકારીઓ, જિલ્લા વહિવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા, પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રિ મેળામાં દૂર દૂરથી દેશ-વિદેશથી સાધુ-સંતો પણ આવી પહોંચે છે.
સાધુ-સંતો, નાગા બાવાઓ ધૂણી ધખાવી ભોળાનાથના ભજન કરે છે. છેલ્લા દિવસે મેળાની પૂર્ણાહુતી શિવરાત્રિની રાત્રિએ સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ થાય છે, જેમાં સાધુ-સંતો અવનવા કરતબો કરતા હોય છે. ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં મંદિર ખાતે આવેલા, મગીફંડ ખાતે શાહી સ્નાન બાદ મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.