/connect-gujarat/media/post_banners/4b8322619eb25631ccd17dbef5963eef848efdf85bdef8d485ed5e62cb6dc35f.webp)
ગીર સોમનાથ જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના દીધેલા એડ્રેસ પર બિલ્વપુજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે. જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી મહાશિવરત્રિના પર્વે સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ, સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પુજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી. આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકાશે. અત્રે નોંધનીય છે કે, મંદિરના ચેરમેન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદૃષ્ટિ યુક્ત માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભકતોને ઉત્કૃષ્ટ આધ્યાત્મિક અનુભવ આપનારી અનેક સેવાઓ આપવામાં આવે છે. જેમાંની એક બિલ્વપુજા સેવા અંતર્ગત પ્રત્યેક ભક્ત મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મહાદેવને બિલ્વ અર્પણ કરવાનું પુણ્ય અર્જિત કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.