-
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાશે શિવરાત્રિ મહોત્સવ
-
મહાશિવરાત્રિ મહોત્સવને લઈ તમામ તૈયારીને અંતિમ ઓપ
-
સોમનાથ મંદિર તથા આસપાસના સ્થળોએ યોજાશે કાર્યક્રમો
-
સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે મહાશિવરાત્રિનું અનોખુ આયોજન
-
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કર્યું સ્થળ નિરીક્ષણ
મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ ની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ-સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.
પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી મહાશિવરાત્રિ પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારૂ રૂપે ચાલે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
કલેક્ટરે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે. આ સાથે જ ભાવિક ભક્તોને શિવદર્શન સાથે શિવ મહિમા અને ગુજરાતની લોકસંસ્કૃતિ અને વિરાસતને પ્રેરિત કરતી અદભૂત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને સંગીતના કાર્યક્રમોનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
એટલું જ નહીં, તંત્રના વિવિધ વિભાગો દ્વારા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી અગવડતા પડે અને સોમનાથ દર્શનાર્થે આવનાર દર્શનાર્થી ભગવાન ભોળાનાથના દર્શન કરવા સાથે લાઈવ સંગીતનો લાભ પણ મેળવે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.