ભરૂચ : ગણિત શિક્ષણને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર એમિટી સ્કૂલ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો...

ગણિત શિક્ષણ વેળાએ પાઠયપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ-રૂચિ વધારી શકાય તે બાબતે ડૉ. વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી

New Update
  • એમિટી સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

  • શાળા કક્ષાએ ગણિત શિક્ષણને રસપ્રદ બનાવાનો હેતુ

  • ગણિત વિષયના શિક્ષકો માટે વિશેષ સેમિનાર યોજાયો

  • સેમિનારમાં મોટી સંખ્યામાં શાળાના શિક્ષકોની ઉપસ્થિતી

ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે શાળા કક્ષાએ ગણિત શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાના હેતુસર જિલ્લાના ગણિત વિષયના શિક્ષકોનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

સરદાર પટેલ યુનિવર્સિટીવલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડૉ. મહાવીર વસાવડાના વિશેષ માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે ગણિત વિષયના શિક્ષકો માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ગણિત શિક્ષણ વેળાએ પાઠયપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ-રૂચિ વધારી શકાય તે બાબતે ડૉ. વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી હતી.

88 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ. વસાવડાના વિદ્યાર્થી રહી ચૂકેલ ઍમિટી સ્કૂલભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડ શાહ અને આચાર્ય પ્રકાશ મહેતાએ તેમના ગુરૂવર્યનું આ તબકકે સન્માન કરી ગુરૂ-શિષ્ય પરંપરા નિભાવી હતી. વર્ષ 2025 માટે સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલએ શિક્ષકોને પાઠયપુસ્તક ઉપરાંતના શિક્ષણ પર ભાર મુકવા જણાવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરની પ્રતિષ્ઠિત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના એપ્લાઈડ સાયન્સના વડા ડૉ. વિપુલ શાહ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.