ગુરુવારે ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ ડ્રગ્સ કેસમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ એનસીબીની મુંબઈ ઓફિસમાં કરવામાં આવી હતી. હવે એજન્સીએ તેને વધુ તપાસ માટે આવતીકાલે એનસીબી ઓફીસમાં બોલાવી છે. અનન્યા પાંડે આજે NCB નું સમન્સ મળ્યા બાદ પૂછપરછ માટે લગભગ 4 વાગ્યે એજન્સીની ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે પણ હાજર હતા.
અનન્યા પાંડેને વોટ્સએપ ચેટ અંગે આજે પૂછપરછ કરવાની હતી. જોકે, સૂત્રોનું કહેવું છે કે આજે અનન્યાને વધારે પૂછપરછ કરવામાં આવી નથી. આ જ કારણ છે કે એજન્સીએ શુક્રવારે સવારે 11 વાગે અભિનેત્રીને પૂછપરછ માટે NCB કાર્યાલયમાં ફરી બોલાવી છે.
એનસીબીની ટીમે ગુરુવારે મુંબઈમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. એનસીબીએ આ વસ્તુઓ પોતાની સાથે લીધી છે. હવે NCB ની ટીમ ડ્રગ્સ કેસમાં અનન્યાની પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. એનસીબી ગુરુવારે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે 'મન્નત' પણ પહોંચી હતી. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે.
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન આજે તેમના પુત્ર આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા હતા. શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા હતા. અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી.