જિલ્લામાં મધરાતથી જ વરસી રહ્યો છે અતિભારે વરસાદ
ભારે વરસાદ વચ્ચે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા
વાવડી રોડ પર આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
પાણીના કારણે પાકમાં મોટા નુકસાનની ખેડૂતોમાં ભીતિ
તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા ખેડૂતોની માંગ
નર્મદા જિલ્લાના રાજપીપળા પંથકમાં વરસેલા ભારે વરસાદ વચ્ચે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, નર્મદા જિલ્લામાં મધરાતથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજપીપળામાં વરસેલા ભારે વરસાદ વચ્ચે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વાવડી રોડ પર આવેલા ખેતરોમાં પાણી ભરવાના કારણે પાકને મોટું નુક્સાન થયું હોવાનું સામે આવ્યું છે. વાવડી રોડ પર બિલ્ડર દ્વારા વરસાદી પાણીની કાસ પર નાની પાઈપ નાખી વરસાદી પાણીનો અવરોધ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
આ મામલે સ્થાનિકોએ નાંદોદ મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરી હતી. જોકે, ત્યારબાદ તંત્ર દ્વારા વરસાદી પાણીની કાસને સાફ કરવામાં આવી હતી. ખેડૂત હેમંત વસાવાએ તંત્રને વિનંતી કરી છે કે, બિલ્ડર દ્વારા મુકવાવામાં આવેલી પાઈપને તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી વરસાદી પાણીના પ્રવાહમાં કોઈ બાધા ન આવે, અને ખેતરોમાં નુકસાન ન થાય.
