• ભરૂચના હાંસોટ પંથકનો બનાવ

  • પાવરગ્રીડ લાઇનનું કરવામાં આવી રહ્યું છે કામ

  • ખેડૂતોએ કામગીરી અટકાવી

  • એક મહિનામાં બીજી વખત કામગીરી અટકાવી

  • યોગ્ય વળતરની ખેડૂતોની માંગ

ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરી 3 ગામના 100થી વધુ ખેડૂતોએ એકઠા થઈ એક મહિનામાં બીજી વખત અટકાવી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના હાંસોટ  પંથકમાં પાવરગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે.અગાઉ 7 એપ્રિલે કામગીરી અટકાવ્યા બાદ પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આજે 3 ગામના 100થી વધુ ખેડૂતોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું.
ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી.ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેકટ કમર્શિયલ હોવા છતાં  ખેડૂતોને એગ્રીકલચર જંત્રી પ્રમાણે વળતર ચુકવવામાં આવે છે.આની સામે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર ચૂકવાયું છે તો ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે કંપની અને સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે.
ખેડૂતોના વિરોધના પગલે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર સહિતના આગેવાનો દોડી આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જા મંત્રીને રજુઆત કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા, માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે.