Connect Gujarat
Featured

ગાંધીનગર : કડી પોલીસે જપ્ત કરેલો દારૂનો જથ્થો વેચી માર્યો, જુઓ પછી શું થયું

ગાંધીનગર : કડી પોલીસે જપ્ત કરેલો દારૂનો જથ્થો વેચી માર્યો, જુઓ પછી શું થયું
X

ગુજરાતમાં દારૂબંધીના અમલની જવાબદારી જેમના શિરે છે તેવા જ પોલીસ કર્મીઓ જ દારૂનું વેચાણ કરતાં હોવાનો ચોકાવનારો કિસ્સો કડીમાં પ્રકાશમાં આવ્યો છે. બુટલેગરો પાસેથી જપ્ત કરાયેલા દારૂના જથ્થાનું ખુદ પોલીસ કર્મચારીઓએ વેચાણ શરૂ કરી દીધું હતું.

લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે દારૂની માંગમાં ઉછાળો આવ્યો હતો. લોકડાઉનમાં રાજયની સરહદો સીલ હોવાથી અન્ય રાજયોમાંથી આવતો દારૂ બંધ થઇ ગયો હતો. આ વાતથી વાકેફ કડી પોલીસે પૈસા કમાવા માટે નવતર કિમીયો અપનાવ્યો હતો. બુટલેગરો પાસેથી ઝડપાયેલા દારૂના જથ્થાનું તેમણે વેચાણ શરૂ કરી દીધું હતું.

કડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દારૂ વેચતા હોવાની ફરિયાદ ગાંધીનગરના રેંજ આઇજી મયંકસિંહ ચાવડાને મળી હતી. કડીના પીઆઇ તથા અન્ય પોલીસ કર્મીઓને રેંજ આઇજીને થયેલી ફરિયાદની ગંધ આવી જતાં તેઓ સતર્ક બન્યાં હતાં અને દારૂના ખાલી ખોખાઓનો કેનાલમાં નિકાલ કરી દીધો હતો.

ગાંધીનગરના રેંજ આઇજીએ ફરિયાદની તપાસ કરવા ગાંધીનગરના એસપી મયુર ચાવડાને સુચના આપી હતી. તપાસ અધિકારીઓને દારૂના ખોખાઓ નર્મદા કેનાલમાં નાંખી દેવાયા હોવાની માહિતી મળી હતી. પોલીસે કેનાલમાં તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરતાં કેનાલમાંથી દારુના ખાલી ખોખાઓ મળી આવ્યાં હતાં.

કડી પોલીસ સ્ટેશનમાં બુટલેગરો પાસેથી ઝડપી પાડવામાં આવેલાં દારૂના જથ્થાની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારી મુદામાલમાં ઘટાડો આવશે તો કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ વેચવામાં આવ્યો હોવાની સાબિતી મળશે. હાલ તો કડીના પીઆઇ સહિત છ જેટલા પોલીસ કર્મચારીઓ ભુર્ગભમાં ઉતરી ગયાં હોવાનું જાણવા મળી રહયું છે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાતો હોવાનો દાવો કરી રહયાં છે તેવામાં કડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓના કરતુતથી ખુદ વાડ જ ચીંભડા ગળે તેવો ઘાટ સર્જાયો છે.

Next Story