ગાંધીનગર : કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતાઓની પોલીસે કરી અટકાયત

0

કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં પોલીસની મંજુરી વગર વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેના પગલે એક સમયે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડુતો ભેગા મળી સરકાર વિરોધી સુત્રોચાર અને હાથમાં બેનરો લઇ ગાંધીનગર તરફ આગળ વધી રહયાં હતાં. તે સમયે પોલીસે કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા પરેશ ધાનાણી સહિતના લોકોની અટકાયત કરી હતી એક તબબકે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન થઇ પણ પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે આ દેશમાં ખેડૂત જે જગતનો તાત, અન્નદાતા કહેવાય એ કોઈકને ત્યાં ગુલામ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે. નવા બિલના કારણે ગુજરાત અને દેશમાં મંડીઓ, APMCની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે. કંપનીઓ તેમને ફાવે તેવા ભાવે ખરીદી કરશે અને ફાવે તેવી સંગ્રાહખોરી કરી નફાખોરી કરવામાં આવશે.

ગાંધીનગરના એસપી મયુર ચાવડાને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમનું કહેવું હતું કે આ રેલી અને ધરણા પરવાનગી વગર યોજવામાં આવ્યાં છે. પોલીસ પાસેથી કોઇ મંજુરી લેવામાં આવી નહિ હોવાથી અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here