Connect Gujarat
ગુજરાત

ગોંડલ : જાણો શા માટે સગી દાદીએ કરી પોતાની જ પૌત્રીની હત્યા

ગોંડલ : જાણો શા માટે સગી દાદીએ કરી પોતાની જ પૌત્રીની હત્યા
X

ગોંડલના મોવિયા રોડ પર રહેતા પટેલ પરિવારની ૧૯ દિવસની બાળકીનું ભેદી સંજોગોમાં મોત થયા બાદ પોસ્ટમોર્ટમમાં તેને ઝેરી દવાથી મોત થયાનું ખુલ્યું હતું. તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું અને દાદીએ જ પોતાની પૌત્રીની હત્યા કર્યાનું ખુલતા પોલીસે દાદી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

ગોંડલના મોવિયા રોડ પર પશુ દવાખાના સામે જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઈ રણછોડભાઈ રૈયાણીની ૧૯ દિવસની પુત્રી કિંજલને ઝેરી દવાની અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. કિંજલને કજીયાની આપવામાં આવતી દવાની સીસીમાં મોનોકોટ નામની ઝેરી દવા મીકસ કરી પીવડાવી દેવામાં આવતા તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં બહાર આવેલી વિગતો બાદ ગોંડલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો.

આ બનાવમાં ૧૯ દિવસની કિંજલની હત્યા તેની જ દાદી શાંતાબેન રણછોડભાઈ રૈયાણીએ કર્યાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે શાંતાબેન વિરૂધ્ધ તેના જ પુત્ર કેતન રણછોડભાઈ રૈયાણીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તપાસમાં ખુલતી વિગતો મુજબ કેતનના લગ્ન મહારાષ્ટ્ર્રીયન યુવતી સંગીતા સાથે થયા બાદ તેને સંતાનમાં પ્રથમ પુત્રી ક્રિશાનો જન્મ થયો હતો અને બીજી વખત સંગીતા ગર્ભવતી બન્યા બાદ પુત્રની આશાએ બેઠેલા શાંતાબેને બીજી પુત્રી કિંજલનો જન્મ થતાં કિંજલ જોઈતી ન હોય શાંતાબેને કિંજલને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

વર્તમાન સમયમાં બેટી બચાવોના અભિયાન વચ્ચે પણ ગોંડલમાં બનેલા આ બનાવની વરવી વાસ્તવિકતા ખુબ જ ફીટકાર વરસાવે તેવી છે. ૧૯ દિવસની બાળકીને તેની જ દાદીએ ઝેરી દવા પીવડાવી હત્યા કરવાના બનાવથી બેટી બચાવો અભિયાન જાણે નિષ્ફળ પુરવાર થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે

Next Story