/connect-gujarat/media/post_banners/e46e0ba17df76f2edb11c3abf76c700f14b10eee18d60160833089137969ccb6.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબર જામી છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય એ કોંગ્રેસનો હાથ છોડી મૂક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
રાજ્યભરમાં પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઓ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા કોંગ્રેસના ભગવાન બારડે રાજીનામું આપતા કોંગ્રેસમાં ફરીવાર ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી ભગવાન બારડનું સ્વાગત કર્યું હતું.
તો બીજી તરફ, ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભગવાન બારડ લોકપ્રિય નેતા છે. જોકે, અમે કોઈને આમંત્રણ આપતા નથી. ગુજરાતના વિકાસમાં ફાળો આપવા કોઈપણ રાજકીય કે, સામાજિક આગેવાન ભાજપમાં આવે તેઓને અમે આવકારીએ છીએ. મહત્વનું છે કે, બાદલપરામાં ભગવાન બારડે સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ દરમ્યાન ભાજપમાં જોડાવા અંગે ચર્ચા થઈ હતી. માનવામાં આવે છે કે, તેમના વેવાઈને ટિકિટ ન મળતા કોંગ્રેસને અલવિદા કહ્યું છે.