-
યુદ્ધની સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા આયોજન
-
લીંબડી આર.આર.હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
-
મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
-
અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું
-
સ્વૈચ્છિક રક્તદાન કરી લોકોએ દેશભાવના વ્યક્ત કરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું.
હાલ ચાલી રહેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તણાવભરી સ્થિતિને લઇને સમગ્ર દેશમાં તણાવપૂર્ણ માહોલ છે, ત્યારે યુદ્ધની કપરી સ્થિતિમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો, યુદ્ધની સ્થિતિ સર્જાય તો બ્લડની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે આવેલ આર.આર.સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, પાલિકા પ્રમુખ સહીતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ નાગરીકો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશપ્રેમનો જુસ્સો અને ભાવન બતાવવામાં આવી હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 200થી વધુ યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત લીંબડી સરકારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવી છે. વધુમાં બ્લેકઆઉટ સમયે તમામ પ્રકારની જરૂરિયાતને પહોંચી વળવા દવાઓ, ડિઝલ સહીત પુરતા જથ્થાનો સ્ટોક કરી તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.