ગાંધીનગરના કોબા પાસે પુરપાટ ઝડપે જતી કારે એક્ટિવા સવાર પિતા-પુત્ર અને પુત્રીને ફંગોળ્યાં, એકનું ઘટનાસ્થળે જ મોત

કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં.

New Update
ગાંધીનગરના કોબા પાસે પુરપાટ ઝડપે જતી કારે એક્ટિવા સવાર પિતા-પુત્ર અને પુત્રીને ફંગોળ્યાં, એકનું ઘટનાસ્થળે જ મોત

ગાંધીનગરના કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બંને સંતાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જ્યાં 17 વર્ષીય દીકરીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહનોનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો તેમજ કારની સેફ્ટી બેગ પણ ખૂલી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોએ અમદાવાદ-કોબા હાઇવે રોડ પર ચક્કાજામ કરી દેતાં ઈન્ફોસિટી અને અડાલજ પોલીસનો કાફલો દોડી ગયો હતો. આ બનાવને પગલે રોષે ભરાયેલા ટોળાએ આક્રોશ વ્યક્ત કરેલો કે અત્રે કોબા કમલમ કાર્યાલય હોવાથી વીવીઆઈપી મૂવમેન્ટ રહેતી હોય છે, જેના કારણે અહીં સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવામાં આવ્યાં નથી. અહીં છાશવારે અકસ્માતો સર્જાતા હોવા છતાં વીવીઆઈપી મૂવમેન્ટને લીધે રોડ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે કારમાં બેઠેલા નબીરાઓની પણ અટકાયત કરી લીધી છે.

Latest Stories