સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના બની હતી.જેમાં એક કાર પલટી મારી હતી. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર સુરતના પાંચ પૈકી ચાર મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
સુરતના પાંચ મિત્રો કાર લઇને સેલવાસ ફરવા માટે ગયા હતા.ત્યાંથી પરત ફરતી વખતે ખાનવેલ-દૂધની રોડ પર ઉપલા મેઢા ગામ પાસે ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પથ્થર સાથે અથડાઈને ચાર-પાંચ ગુલાંટ મારીને ઘાટમાં ઉતરી ગઇ હતી.ચાર-પાંચ ગુલાંટ મારીને કાર ઘાટમાં ઉતરી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પાંચ પૈકી ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.