વલસાડ જિલ્લાના ફલધરા ગામ ખાતે ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલની અધ્યક્ષતા હેઠળ ખેડૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાય હતી.
વલસાડના ફલધરા ગામ ખાતે સૂચિત ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટને લઈને ખેડૂત અગ્રણીઓ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલની અધ્યક્ષતા હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત સમાજના અગ્રણીઓ અને આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જળ, જંગલ અને જમીનને નુકશાન કરતો હોવાનો આ પ્રોજેક્ટ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એજન્સીઓ દ્વારા સર્વે પણ થઈ ગયો હોવાને લઈ ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મિટિંગમાં આ પ્રોજેક્ટનો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સાથે જ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિનું પણ ગઠન કરવામાં આવશે અને આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન તેમજ કલેકટર કચેરીનો ઘેરાવો સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવું ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.