-
જિલ્લાના ખેડૂતો દેશી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરતાં થયા
-
પ્રાકૃતિક ખેત પેદાશોથી કરી રહ્યા છે લાખો રૂપિયાની કમાણી
-
લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારાનું કર્યું છે વાવેતર
-
ઘઉંના જુવારાનો પાવડર બનાવી તેના વેચાણથી કરી કમાણી
-
આરોગ્યની દ્રષ્ટિએ ઘઉંના જુવારાનો પાવડર લાભદાયી : તબીબ
હવે, ખેડૂતો દેશી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે. આ સાથે જ તેમાથી પાવડર બનાવી સમગ્ર ભારતમાં વેચાણ કરી કરોડો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે, અને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે. આ પાવડરનું સમગ્ર ભારતમાં વેચાણ કરે છે. એક કિલોના 400 રૂપિયા સુધી ભાવ મળે છે.
ખર્ચ બાદ કરતા 99 લાખનો નફો થાય છે. પોતાની પાસે 350 વિઘા જમીન છે, જેમાંથી 125 વિઘામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. એક વિઘામાંથી 350થી 400 કિલો ઘઉંના જુવારાનો પાવડર બનાવે છે. પહેલા પરંપરાગત ખેતી કરતા કાળુ હુંબલને ખેત પેદાશના સામાન્ય ભાવ મળતા હતા.
બાદ તેમણે નવી ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. જેમાં ગુજરાત અને ગુજરાત બહાર ઘઉંના જુવારાના પાવડરની માંગ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેઓએ ઘઉંના જુવારાનું વાવેતર કર્યું હતું, અને તેના પાનનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું હતું. એક વીઘા પાકમાં 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યારે 125 વીઘામાં 30થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ખેડૂત કાળુ હુંબલ લખપતિ ખેડૂત બન્યા છે.
લાઠીના પ્રગતિશીલ ખેડૂતે પાવડર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “આ પાવડર આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. 100 પ્રકારના રોગમાં આ ઘઉંના જુવારનો પાવડર કામ કરે છે, જેથી ઘઉંના જુવારાના પાવડરની ખૂબ જ માંગ છે. ઈન હાઉસ પ્રોસેસ ખેડૂત પોતાની વાડીએ કરે છે, અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે. એક વીઘે 300થી 400 કિલો ઉત્પાદન મળી રહે છે, અને કિલોનો ભાવ 400 રૂપિયા મળી રહે છે. જેથી એક વીઘે 1 લાખ 20 હજાર રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે.
125 વીઘામાંથી અંદાજિત 1.50 કરોડનું ઉત્પાદન મળી રહે છે. જેમાંથી ખર્ચ બાદ કરતાં 99 લાખ રૂપિયાનો સીધો નફો મળે છે, ત્યારે આ અંગે લીલીયાના આર્યુવેદ ડોક્ટરએ કેન્સર સાથે અનેક રોગોમાં ઘઉંના જુવારાનો પાઉડર શરીર માટે ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યુ હતું. કોઈપણ આડઅસર વિના આ પાઉડર શારીરિક દ્રષ્ટિએ વધુ ફાયદાકારક હોવાનું તબીબ જણાવી રહ્યા છે.