રાજ્ય સરકારેUCC લાગુ કરવા કરી છે તૈયારી
નિવૃત જજ સહિત પાંચ સભ્યોની કમિટીની કરી રચના
UCC મુદ્દે ઉઠ્યો વિરોધનો સુર
આપMLA ચૈતર વસાવાએ નોંધાવ્યો વિરોધ
આદિવાસીઓના અધિકારોના હનનની ચિંતા કરી વ્યક્ત
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ છે,અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમિટી બનાવી છે,ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએUCC મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે,અને સરકાર દ્વારા આદિવાસીઓના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી લોકો આ દેશના મૂળ માલિક છે, અમારા સંવિધાનિક અધિકારો, મૌલિક અધિકારો માનવ અધિકારો, તેમ છતાં પણ આ અધિકારો અમલમાં જ નથી. અમે વારંવાર આ મુદ્દા પર માંગો કરતા આવ્યા છીએ. તેમ છતાં પણ અમને ન્યાય મળતો નથી.
ઉત્તરાખંડમાં જે રીતેUCCને લાગુ કરવામાં આવ્યું તે રીતે જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર પડશે.UCCની બનાવેલી કમિટી આદિવાસીઓના અધિકારોની રક્ષા કરે એવી સરકાર સમક્ષ માંગ પણ તેઓએ કરી હતી.