અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ તે હજી નકકી નથી પરંતુ પોલીસે ગુરૂવારના રોજ જળયાત્રા માટે મંજુરી આપી છે પણ જળયાત્રા દરમિયાન કોવીડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
આવતીકાલે ગુરૂવારના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે. ગુરૂવારે સાબરમતી નદીમાંથી 108 કળશ ભરીને જળ લાવવામાં આવશે. દર વર્ષે જળયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે તથા ભજન મંડળીની રમઝટ વચ્ચે ગજરાજો આર્કષણ જમાવતાં હોય છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાને લઇ પોલીસે જળયાત્રાને મર્યાદિત જ પરવાનગી આપી છે. જે અંતર્ગત જળયાત્રામાં માત્ર એક જ ગજરાજ સામેલ થશે. મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે.
ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવશે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 50 થી ઓછા લોકો હાજર રહેશે. સવારે 9.30 વાગ્યાની આસપાસ નીકળનારી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે.
ભગવાન જગન્નાથની જળયાત્રામાં એક ગજરાજ, 5 ધજા અને 5 કળશ સામેલ કરવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરાથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે.. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળ યાત્રા યોજાય છે પરંતુ કોરોના મહામારીના કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જલયાત્ર ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.