Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : મલ્ટીપ્લેક્સના વ્યવસાયને કરોડો રૂપિયાનું નુકશાન, જુઓ સિનેમાઘરના સંચાલકોએ શું કહ્યું..!

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા મલ્ટીપ્લેક્સો બંધ, મલ્ટીપ્લેક્સને રાબેતા મુજબ કરવા સંચાલકો દ્વારા ઉઠી માંગ.

X

રાજ્યમાં કોરોનાની પ્રથમ લહેર બાદ મલ્ટીપ્લેક્સ અને સિનેમા શરૂ કરવામાં આવ્યા હતા અને જૂની ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે બીજી લહેર વધુ ઘાતક સાબિત થતાં મલ્ટીપ્લેક્સ સહિત સિનેમા ઘરોને બંધ કરવામાં આવ્યા હતા. જોકે, હવે અનલોક થતા ધીમે ધીમે દરેક ધંધા વેપાર શરૂ થઈ રહ્યા છે, ત્યારે પ્રેક્ષકો વિના બંધ પડેલ રાજ્યની મલ્ટીપ્લેક્સને આવનાર દિવસોમાં પુનઃ શરૂ કરવા માટે સિનેમાઘરોના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

કોરોનાની બીજી લહેર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે અનલોક થતા ધીમે ધીમે દરેક વેપાર ધંધા શરૂ થઈ રહ્યા છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે રાજ્ય સરકાર દ્વારા મલ્ટીપ્લેક્સને પુનઃ શરૂ કરવાની છૂટ આપવામાં આવે તેવી સિનેમાઘરોના સંચાલકો માંગ કરી રહ્યા છે. જેમાં દિવસ દરમ્યાન નક્કી કરેલા શોમાં 50% કેપેસિટી સાથે એન્ટ્રી આપવી, માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવા માટે સિનેમાઘરોના સંચાલકોએ બાહેધરી આપી છે.

રાજ્ય સરકાર દ્વારા સિનેમાઘરોના સંચાલકોને અનેક ચાર્જમાં રાહત આપવામાં આવી છે. તે સારી બાબત છે, પરંતુ રાજ્યમાં અત્યાર સુધીમાં આ ઇન્ડસ્ટ્રીઝને રૂ. 1200 કરોડ સુધીનું નુકશાન થઇ ચૂક્યું છે. વર્ષ 2020-21ના નુકશાનની પણ ભરપાઈ થવી જોઈએ, ત્યારે હાલ થિયેટરો બંધ છે, તેવામાં સંચાલકોએ દર મહિને 5 લાખ રૂપિયા મેઇન્ટેનન્સ માટે જુદા રાખવા પડે છે. જોકે, થિયેટર શરૂ થઈ જશે તો પણ ફિલ્મ જોનારા લોકો તરત થિયેટર તરફ નહીં વળે તેવી ભીતિ સતાવી રહી છે.

આમ રાજ્યના મલ્ટીપ્લેક્સ મરણપથારીએ છે, ત્યારે હવે આ ઇન્ડસ્ટ્રીઝના લોકો રાજ્ય સરકાર તરફ આશ લગાવીને બેઠા છે. ગુજરાત રાજ્ય મલ્ટીપ્લેક્સ એસોસીએશન દ્વારા આ મામલે ઘટતું કરવા સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે.

Next Story