Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : એડિ.ચીફ સેક્રેટરીએ લીધી સોલા સિવિલ હોસ્પિટલ-મેડિકલ કોલેજની મુલાકાત

નવનિયુક્ત એડિ. ચીફ સેક્રેટરીએ લીધી અચાનક મુલાકાત, રસીકરણનો વ્યાપ વધારવા અધિકારીઓને તાકીદ કરાઇ.

X

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નવનિયુક્ત એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અચાનક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન મનોજ અગ્રવાલે રસીકરણનો વ્યાપ વધારવા માટેની વ્યૂહરચના ઘડવા અધિકારીઓને તાકીદ કરી છે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નવનિયુક્ત એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ દ્વારા વિવિધ વિભાગના વડાઓ સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરી આરોગ્ય-શિક્ષણક્ષેત્રની ગતિવિધિ અંગે પણ માહિતી મેળવી હતી. સોલા સિવિલ મેડિકલ કોલેજના ડિન નીતિન વોરાએ મેડિકલ કોલેજની વિવિધ કામગીરી અંગે એડિશનલ ચીફ સેક્રેટરી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત મનોજ અગ્રવાલ સમક્ષ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની માળખાગત સુવિધાઓ અને માનવબળ અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મનોજ અગ્રવાલે સોલા સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોના દરમિયાન તેમને કરેલ કામગીરીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે આરોગ્યકર્મીઓને આગામી સમયમાં પણ કઠોર પરિશ્રમ માટે તૈયાર રહેવા અનુરોધ કરાયો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને બાગ-બગીચાની સાર-સંભાળ મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરી તે મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવા પર પણ ભાર મૂક્યો હતો. તો સાથે જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના લક્ષ્યાંકોના સંદર્ભમાં આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરીનો ઉલ્લેખ કરી આરોગ્યકર્મીઓની કામગીરીને બિરદાવી હતી. મનોજ અગ્રવાલની આ મુલાકાતના શુભારંભે સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પીના સોની અને મેડિકલ કોલેજના ડીન નીતિન વોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story