અમદાવાદ રેલ્વે પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે પાર્સલમાંથી બિલ અને પુરાવા વગરના રૂપિયા 65 લાખના મોબાઈલ ફોન અને 47 નંગ બિયરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. હાલ તો રેલ્વે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ રેલ્વે પોલીસને વધુ એક સફળતા મળી છે. રેલ્વે પોલીસને પાર્સલમાંથી બિલ વગરના મોબાઈલ ફોન, 15 લાખ રૂપિયાની મોબાઈલ એસેસરીઝ અને 47 નંગ બિયર સાથે કાર્ટૂન ભરેલ પાર્સલ મળી આવ્યું છે. યોગા એક્સપ્રેસ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવી હતી, ત્યારે રેલ્વે પોલીસને બાતમી મળી હતી કે, ગૌરવ રાજપૂત અને શંકર રાજપૂત બિલ અને જરૂરી આધાર પુરાવા વગરના 425 નંગ મોબાઈલ ફોન સાથે ગેરકાયદેસર રીતે અમદાવાદ આવી રહ્યો છે. જે મુદ્દામાલ અમદાવાદમાં સોનુ સિંહ ગુડું સિંહને પહોચાડવાના હતા. જેમાં મોબાઈલ ફોન અને મોબાઈલ એસેસરીઝ મળીને 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ થવા પામ્યો છે. ઉપરાંત આજ ટ્રેનમાં સબ્બીર ઉસ્માન નામનો ઈસમ પણ 48 નંગ બિયરના ટીન સાથે અમદાવાદ આવી રહ્યો છે તેના આધારે પોલીસે ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ રેલ્વે પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરાતા દિલ્હીથી આ મોબાઈલ ફોન લાવી અમદાવાદમાં વેચવાના હતા. જેમાં રેલ્વે પોલીસે બાતમીના આધારે 2 ઇસમોની ધરપકડ કરી છે, ત્યારે બીજી તરફ ટ્રેનમાં પણ હવે દારૂની હેરાફેરી થવા લાગી છે. જેમાં આરોપીઓ બિયરના ટીન કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે રેલ્વે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, ટેક્સ બચાવવા રેલ્વેમાં આ પ્રકારની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા લગાડવામાં આવ્યું છે.